આપણે જ્યારે મોટી દુકાનોમાં, સુપર મોલમાં અથવા તો સોના ચાંદીની દુકાનમાં ખરીદી કરવા જતા હોઈએ ત્યારે ત્યાં લખવામાં આવતું હોય છે કે U are under CCTV Surveillance. દુકાનની તેમજ સામાનની સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવે છે. પરંતુ શું તમે શાકભાજીની લારી પર સીસીટીવી કેમેરા મૂકેલા જોયા છે? જવાબ હશે કે ના, ઉલટાનું તમે સામે પ્રશ્ન કરશો કે શાકભાજીની દુકાનમાં કેમેરા કોણ રાખે? પરંતુ મોંઘવારીએ હદે વધી ગઈ છે કે કે શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ પણ કેમેરા રાખતા થઈ ગયા છે.
ટામેટાના ઢગલા માટે લગાવ્યા કેમેરા
ચોમાસાના આગમનની સાથે શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટામેટા, બટાકા સહિતના શાકભાજીના ભાવોએ સદી ફટકારી દીધી છે. ટામેટાના ભાવ 160 રુપિયાની આસપાસ પહોંચી ગયા છે. તે સિવાય મરચાના ભાવ પણ સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે શાકભાજીના ભાવ વધતા શાકભાજીના વેપારીઓ કેમેરા રાખતા થઈ ગયા છે. વધતા ભાવને જોતા વેપારીઓને સામાન ચોરાવાનો ડર ઉભો થઈ ગયો છે. શાકભાજીની ડિમાન્ડ વધતા કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કર્ણાટકના હાવેરીના અક્કી અલુરુમાં એક વેપારીએ પોતાના ટામેટાના ઢગલા માટે ટાઈટ સિક્યોરિટી ગોઠવી છે.
પેટ્રોલના ભાવ કરતા પણ વધારે મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે ટામેટા
ટામેટાને સુરક્ષિત રાખવા કેમેરા લગાવનારા ખેડૂતે કહ્યું કે મારી દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ રહે છે. જો હું અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત હોવું તો અમુક લોકો છુટક ટામેટા લઈને જતા રહે છે. જે મને ખબર નથી પડતી. હું મારી મહેનતનું જરા પણ જવા દેવા નથી માગતો, એટલા માટે સીસીટીવીની વ્યવસ્થા કરી છે. મહત્વનું છે કે ટામેટા આજે પેટ્રોલ કરતા પણ મોંઘા વેચાઈ રહ્યા છે. દિવસેને દિવસે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.