અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક અકસ્માત એવા ભયંકર હોય છે કે એક બે નહીં પરંતુ અનેક લોકોના મોત થઈ જતા હોય છે. અનેક યાત્રા અંતિમ યાત્રા સુધી લઈ જતી સાબિત થાય છે. અકસ્માતમાં અનેક પરિવારના માળા વિખેરાય છે. ત્યારે આસામમાં એટલો ભયંકર રોડ અકસ્માત થયો કે દુર્ઘટનામાં 14 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં ત્રણ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત 3જી જાન્યુઆરીએ સવારે સર્જાયો જેમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. ઘટના સ્થળ પર જ 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
14 જેટલા લોકોના થયા ઘટનાસ્થળ પર મોત
કોણ ક્યારે દુનિયામાંથી ચીર વિદાય લઈ લેશે તેની જાણ નથી. મરણ થવાનું નક્કી છે પરંતુ કેવી રીતે થશે તેની ખબર નથી. કોઈ અકસ્માતમાં મોત પામે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મોત પામે છે. કોઈ લાંબી બિમારીને કારણે તો કોઈ ટૂંકી સારવાર બાદ મૃત્યુને ભેટે છે. જો કોઈ પેસેન્જર ભરેલી બસનો અકસ્માત થાય તો મૃત્યુઆંક સામાન્ય રીતે વધી જતો હોય છે. ત્યારે આસામના ગોલાઘાટથી દર્દનાક દુર્ઘટના સામે આવી છે. જે બસને અકસ્માત નડ્યો છે તેમાં 45 લોકો સવાર હતા અને આ અકસ્માતમાં 14 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ આવી પહોંચ્યો અને તપાસ શરૂ કરી
આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનોના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા. જે બસને અકસ્માત નડ્યો છે તે આઠખેલિયાથી પિકનીક મનાવા માટે બોગીબિલ જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર તિનસુકિયા મંદિર જવાના હતા. આ ઘટના સવારે 5 વાગે બની હતી. આ ઘટનાને પગલે પોલીસકાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મૃતકોના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.