આજે સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોનની રિંગ વાગી, કહેવામાં આવ્યું કે કોઈએ અમારી દીકરીનું અપહરણ કરી લીધું છે. બાળકી ખાલી દસ જ વર્ષની હતી માટે રાજકોટ પોલીસના 80 જેટલા જવાનો અને અધિકારીઓ બાળકીને શોધવા શહેરના રસ્તાઓ પર ઉતરી ગયા, આટલી શોધખોળ અને શહેરની નાકાબંધી બાદ પણ બાળકીનો કંઈ પત્તો ન લાગતા પોલીસે લાગણીશીલ થવાની જગ્યાએ પોલીસ થઈને વિચાર્યું અને તપાસ કરી. તપાસ પછી ખબર પડી કે દસ વર્ષની બાળકીનું અપહરણ નહોતું થયું. બાળકીએ હોમવર્ક નહોતું કર્યું માટે તેને ટ્યૂશનમાં નહોતું જવું. આથી બાળકીએ અપહરણ કર્યાની યોજના ઘડી હતી.
10 વર્ષની છોકરીએ લેસન નહોતું કર્યું એટલે અપહરણનું બહાનું બનાવ્યું
આજે રાજકોટ શહેરના પોપટપરાના કૃષ્ણનગરમાં રહેતા પરિવારની પાંચમાં ધોરણમાં ભણતી દસ વર્ષની દીકરી સવારે ફોણા નવ વાગ્યે ટ્યુશન જવા માટે ઘરેથી નીકળી હતી. ટ્યુશનનો રસ્તો અલગ હતો પણ છોકરી અલગ વિસ્તારમાં પહોંચીને રડવા લાગી. રડતી નાની છોકરી પર લોકોનું ધ્યાન જતાં તેણે છોકરીને પૂછ્યું હતું કે શું થયું. તો તેણે જણાવ્યું હતું કે મારું કોઈએ અપહરણ કરી લીધું હતું. પછી લોકોએ છોકરીના વાલીને ફોન કર્યો હતો અને પૂરી ઘટનાની જાણ કરી હતી. વાલીઓએ ઘટના સ્થળે પહોંચીને પોલીસને જાણ કરી હતી. માનવ તસ્કરી બહુ ગંભીર ઘટના હોવાના કારણે પ્રદ્યુમન નગર પોલીસ, એ ડિવિઝન પોલીસ, ગાંધીગ્રામ પોલીસ અને સ્પેશિયલ ગ્રુપ, ક્રાઈમ બ્રાન્ચ, અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના જેસીબી, 2 ડિસીપી, 2 એસીપી, 4 પીઆઈ અને અનેક પીએસઆઈ સહીત 80 જેટલા પોલીસ જવાનો રાજકોટના રસ્તા પર અપહરણ કર્તાઓને શોધવા માટે નીકળી ગયા હતા. જ્યારે બાળકીની પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું હતું કે થાર ગાડી હતી અને લોકોએ માસ્ક પહેર્યું હતું. પોલીસે તમામ જગ્યાના સીસીટીવી તપાસ્યા પણ કાળા રંગની થાર એ વિસ્તારમાંથી નીકળી ન હતી. પોલીસે બાળકીના સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કે બાળકી તો ટ્યૂશન તરફ જવાની જગ્યાએ બીજા રસ્તા પર નીકળી હતી તો મહિલા પોલીસે પ્રેમથી બાળકીને પૂછ્યું કે તમે ટ્યુશનની જગ્યાએ ઉંધા રસ્તે કેમ જઈ રહ્યા છો ત્યારે બાળકી ફસાઈ ગઈ હતી અને સાચુ કહી દીધું હતું કે મેં હોમવર્ક નહોતું કર્યું એટલે મારે ટ્યૂશન નહોતું જવું, એટલે તેણે આ યોજના ઘડી હતી અને અપહરણનું નાટક કર્યું હતું જેથી તેને ટ્યૂશન ન જવું પડે.
આ એક અતિ ગંભીર ઘટના હતી અને પોલીસે કેસ પતાવીને રાહતનો શ્વાસ લીધો હતો. તમે આ વીડિયો જોઈ રહ્યા છો અને તમારા પરિવારમાં નાના બાળકો હોય તો નાના બાળકોને આ ઘટના વીશે સમજાવો કે શું સારુ છે શું ખરાબ છે. આવું ન કરવું જોઈએ.