રાજ્યમાં રખડતા પશુ અને શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો આને કારણે ઈજાગ્રસ્ત થાય તો અનેક લોકોના મોત પણ આને કારણે થાય છે. ત્યારે કડીમાં રખડતા પશુના હુમલાને કારણે બાળકને ગંભીર ઈજા પહોંચી છે. કડી શહેરમાં આ દુર્ઘટના સર્જાઈ છે જેમાં કડી માર્કેટ યાર્ડની સામે આવેલા રેસીડેન્સીમાં રહેતો બાળક રખડતા પશુના હુમલાનો શિકાર બન્યો છે. ઘરની બહાર બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે આવીને શિંગડા ભરાવીને આકાશમાં ઉછાળ્યો. જેને કારણે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકને માથાના ભાગમાં અને આંખ પર ઈજાઓ પહોંચી છે.
બાળકને હવામાં અનેક વખત ઉછાળ્યો
રાજ્યના અનેક શહેરોમાં આ સમસ્યા વધી રહી છે. ત્યારે કડીમાં રખડતા પશુએ બાળક પર શિંગડા વડે હુમલો કર્યો હતો. કડી માર્કેટ યાર્ડની સામે આવેલી સોસાયટીમાં ઘરની બહાર બાળક રમી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ પાછળથી ગાયે આવીને શિંગડા ભરાવીને બાળકને હવામાં ઉછાળ્યો. ગાયે શિંગડામાં ભરવીને ચાર પાંચ વખત હવામાં ઉછાળ્યો. બુમાબુમ કરતા બાળકના પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા અને ગાયને ત્યાંથી ભગાડી. જેને કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
થોડા દિવસ પહેલા દંપત્તિ પર રખડતા પશુએ કર્યો હતો હુમલો
પ્રતિદિન રખડતા પશુઓનો ભોગ લોકો બની રહ્યા છે. રખડતા પશુના આતંકને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક લોકો પર ગાય અચાનક હુમલો કરી લોકોને ઈજાગ્રસ્ત કરી દેતી હોય છે. ગાય દ્વારા હુમલો થવાને કારણે લોકોને ગંભીર ઈજા પહોંચતી હોય છે તો કોઈ વખત તેમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. થોડા દિવસો પહેલા રખડતા પશુએ દંપત્તિ ઉપર હુમલો કર્યો હતો જેમાં વાહન ચલાવતા પતિનું મોત નિપજ્યું હતું. ત્યારે રખડતા પશુએ ઘરની બહાર રમતા બાળક પર હુમલો કર્યો છે. રખડતા પશુઓના આતંકમાંથી ક્યારે મુક્તિ મળશે તે સવાલ છે.