પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તાપીની આર્ટ્સ કોલેજનો પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. મા દેવમોગરા સરકારી વિનયન કોલેજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આવવા માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે. આમંત્રણ જે રીતે આપવામાં આવ્યું છે તેની મજાક ઉડાડવામાં આવી રહી છે અને આમંત્રણનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
PMને નજીકથી જોવાનો લ્હાવો ભાગ્યે જ મળે
20 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોનગઢ ખાતે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તાપી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમ બપોરે 12 વાગ્યે યોજાવા જઈ રહ્યો છે ત્યારે બપોરનું ભોજન ઘરેથી કરીને આવવાની સૂચના આપવામાં આવી છે અને વિનામૂલ્યે સરકારી બસમાં કોલેજથી કાર્યક્રમ સ્થળ અને કાર્યક્રમ સ્થળથી કોલેજ મૂકી જવાની સૂચના આપવામાં આવી છે.
આ સૂવર્ણ તક બધા ઝડપી લેશો
દેવમોગરા સરકારી વિનયન કોલેજના પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ભારતના વડાપ્રધાનને રૂબરૂમાં નજીકથી જોવાનો તથા તેઓશ્રીની સ્પીચ સાંભળવાનો લ્હાવો ભાગ્યે જ મળે છે. આથી આ સુવર્ણતક બધા ઝડપી લેશો અને મોટી સંખ્યામાં નામ નોંધાવી દેશો. ગુરુવારે બપોરે 2 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોનગઢ ખાતે કાર્યક્રમ છે જેના માટે પરિપત્ર લખીને વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી રહી છે.