સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોથી અનેક વખત ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તો કોઈ પથ્થર પડવાને કારણે દુર્ઘટના સર્જાય છે. અનેક વખત ભૂસ્ખલન તેમજ પથ્થર પડવાને કારણે લોકોને ઈજાઓ પણ પહોંચતી હોય છે. ત્યારે વરસાદને કારણે નાગાલેન્ડમાં પથ્થર પડવાની ઘટના સર્જાઈ છે જેમાં બે લોકોના મોત થઈ ગયા હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. લેન્ડસ્લાઈડ થવાને કારણે પથ્થર નીચે પડ્યો અને નેશનલ હાઈવે 29 પર ઉભેલી ગાડી સાથે ભટકાયો.
ગાડી પર પડ્યા પથ્થરો અને સર્જાઈ દુર્ઘટના
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેશનલ હાઈવે પર ઉભેલી ગાડી પર લેન્ડસ્લાઈડ થવાને કારણે અચાનક પથ્થરો પડવા લાગે છે. મોટા મોટા પથ્થરો પડવાને કારણે ગાડીને તો નુકસાન પહોંચ્યું જ પરંતુ ગાડીમાં બેઠેલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. પથ્થર પડવાને કારણે ગાડીનો કચ્ચર ગાણ નીકળી ગયો હતો. પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ આખી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માત્ર 5 સેકેન્ડની અંદર જ એક પછી એક બે પથ્થરો નીચે પડ્યા અને ત્રણ કારો પર આવીને પડ્યા.
ઘટનામાં બે લોકોના થયા મોત
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મંગળવાર સાંજે 5.30 વાગ્યાની આસપાસ દીમાપુરના ઓલ્ડ ચુમોકેદીમા પોલીસ ચેક ગેટ નજીકનો છે. આ ઘટનામાં ચાર વાહનોને નુકસાન પહોંચ્યું છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર મોત થયું છે જ્યારે બીજા વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થયું છે. આ ઘટનાને કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. કોનું મોત નિપજ્યું છે તે અંગેની માહિતી પોલીસ એકત્રિત કરી રહી છે.