નવા વર્ષમાં અમે એક નાનકડો પ્રયાસ શરૂ કર્યો છે. નવી પહેલમાં અમે સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. માતૃભાષાનું આપણા જીવનમાં અનેરૂં મહત્વ રહેલું હોય છે. ગુજરાતી ભાષા પર અનેક રચના કરવામાં આવી છે. અલગ અલગ સાહિત્યકારોએ ગુજરાતી ભાષાને શબ્દોના પુષ્પો અર્પણ કર્યા છે. આજે સાહિત્યના સમીપમાં આજે વાંચો ઉમાશંકર જોષીની રચના - મળી માતૃભાષા મને ગુજરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી...
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
– ઉમાશંકર જોષી