વિદેશમાં અનેક વખત ફાયરિંગ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અંધાધૂધ ફાયરિંગમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે ત્યારે જર્મનીના એક ચર્ચમાં પણ અંધાધૂધ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. ગુરૂવાર રાત્રે ફાયરિંગ કરવામાં આવી હતી. ડીલબોગે સ્ટ્રીટ પર આવેલા ચર્ચમાં ફાયરિંગ થયું છે જેમાં અંદાજીત 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ગોળીબારીને કારણે અનેક લોકો ગંભીર રીતે થયા ઘાયલ
ગુરૂવાર રાત્રે જર્મનીમાં ફાયરિંગ થવાની ઘટના બની છે. જર્મનીના હેમ્બર્ગ શહેરમાં આવેલા એક ચર્ચમાં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં લગભગ 6થી 7 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગોળીબારીને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મરનારાઓની સંખ્યા વધી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અલસ્ટરડોર્ફ વિસ્તારમાં આવેલા યહોવા વિટનેસ ચર્ચમાં ગોળીબારી થઈ છે. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ બંદોબસ્ત કરાયો તૈનાત
પોલીસના કહેવા પ્રમાણે કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવી તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. હેમ્બર્ગ પોલીસે ટ્વિટ કર્યું કે આ ફાયરિંગમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરી દેવાયા છે. અંદાજીત 10 મિનીટ સુધી હમલાવરોએ ગોળીબારી કરી હતી. હજી સુધી જાણી નથી શકાયું કે હુમલો કરનાર એક વ્યક્તિ છે કે અનેક વ્યક્તિઓ. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને છોડવામાં નહીં આવે.