પાણીપુરીના શોખીન અનેક લોકો હોય છે. સામાન્ય રીતે મહિલાઓ જ્યારે શાકભાજી લેવા જતી હોય છે ત્યારે પાણીપુરી ખાઈને આવતી હોય છે. અનેક વખત મહિલાઓ કહેતી હોય છે કે બહાર જેવો પાણીપુરનો સ્વાદ ઘરે નથી આવતો. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોયા બાદ કદાચ તમે બહારની પાણીપુરી ખાવાનું બંધ કરી દેશો. વડોદરાનો આ વાયરલ વીડિયો જોઈને તમે પાણીપુરી ખાવાનું ભૂલી જશો.
કાદવવાળા ગંદાપાણીમાં બનાવાય છે પાણીપુરીનો મસાલો!
મોટાભાગના ગુજરાતીઓને પાણીપુરી ભાવતી હોય છે, એ પણ બહારની પાણીપુરી. ત્યારે હાલ વડોદરાનો પાણીપુરીવાળાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાઇ રહ્યુ છે કે, પાણીપુરીની લારીવાળા બે યુવાનો પગથી બટાકા દબાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ સાથે રોડની નીચે કાદવવાળા ગંદાપાણીમાં બટાકા પડી જાય છે તે પણ તે ઉઠાવીને અંદર નાંખી દે છે.
ગંધાતા પગથી ખૂંદીને તૈયાર કરવામાં આવી રહ્યો છે માવો!
જે વીડિયો સામે આવ્યો છે તે વડોદરાનો છે. પગથી ખૂંદીને પાણીપૂરીનો માવો બનાવાતો હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ભેરૂનાથ આઇસ્ક્રીમ શોપ પાસેનો આ વીડિયો હોવાનું અનુમાન છે. જેમાં ફૂટપાથ પર જ તપેલામાં બાફેલા બટાકાને ગંધાતા પગથી ખૂંદીને માવો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ફૂડ વિભાગની કામગીરી પર પણ ઉઠે છે અનેક સવાલ!
સ્વાદના શોખીનોના આરોગ્યને જોખમમાં મૂકતા આ વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. ફૂટપાથ પર પણ ગંદકી જોવા મળે છે તો જે પાણીમાં બટાકાને બાફવામાં આવ્યા છે તે પણ ગંધાતુ હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યુ છે. આવામાં વડોદરા કોર્પોરેશનના ફૂડ વિભાગની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. લોકોને બીમારીમાં ધકેલતા આવા રેંકડીવાળા જે રીતે જાહેર રોડ પર જ પગથી ખૂદી પાણીપૂરીનો માવો બનાવી રહ્યા છે તે જોતા કોર્પોરેશન કે અન્ય કોઇ તંત્રની ધરાર ડર ન હોવાનુ પણ જણાઇ રહ્યુ છે. જો કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયા બાદ દુકાનને તાળુ મારી દુકાનદાર ફરાર થઇ ગયો છે.