કહેવાય છે સત્તા આગળ શાણપણ નકામું છે. સરકાર વિરૂદ્ધ અવાજ ઉપાડવામાં ઘણી વખત લોકોને સંકોચ થતો હોય છે. ત્યારે ભાજપના જ વરિષ્ઠ નેતાએ પોતાની સરકાર વિરૂદ્ધ નિવેદન આપ્યું છે. સરકારની કામગીરીને લઈ નારાજગી વ્યક્ત કરી છે. તેમના દ્વારા કરવામાં આવતી ટ્વિટ હમેશાં ચર્ચાઓનો વિષય બનતી હોય છે. ત્યારે ફરી એક વખત તેમણે ટ્વિટ કરી છે જેમાં તેમણે નગરપાલિકાઓના કર્મચારીઓના બાકી રહેલા પગારને લઈ વાત કરી છે. ટ્વિટ કરી પોતાની જ સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે ખરી જાડી ચામડીના થઈ ગયા છીએ આપણે!
અનેક વખત પોતાની સરકાર વિરૂદ્ધ ઉઠાવ્યો છે અવાજ!
ભાજપના વરિષ્ઠ નેતા ડોક્ટર ભરત કાનાબારએ ટ્વિટ કરી પોતાની સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. પોતાની ટ્વિટને લઈ તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે નગરપાલિકાના કર્મચારીઓને લઈ તેમણે ટ્વિટ કર્યું છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું કે માવો કે પાન મસાલો એક કલાક ના મળે તો ઘાંઘા થઇ જાઈએ છીએ આપણે. પણ ટૂંકી અને બાંધી આવકવાળા કર્મચારીઓના પગાર ઘણી નગરપાલિકાઓમાં ત્રણ ત્રણ મહિના સુધી થતા નથી તેમના પરિવારોનું શું થતું હશે તેનો વિચાર પણ આપણને આવતો નથી ! ખરી જાડી ચામડીના થઇ ગયા છીએ આપણે !!
પોતાની ટ્વિટમાં સીએમને કર્યા છે ટેગ!
મહત્વનું છે કે મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ગેસ સિલિન્ડરના, તેલના, દૂધ સહિતના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે ઓછા પગારમાં ઘરનું ગુજરાન ચલાવવું ઘણું અઘરૂં હોય છે. અને તેમાં પણ જો અનેક મહિનાઓથી પગાર ન મળે તો ઘર ચલાવવું અધરૂં પડી જતું હોય છે. ત્યારે અનેક નગરપાલિકાઓ એવી છે જેમાં ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર આપવામાં આવ્યા નથી. પોતાની ટ્વિટમાં તેમણે મુખ્યમંત્રીને પણ ટેગ કરેલા છે.