દિલ્હીના અનેક વિસ્તારોમાં મોદી હટાઓ દેશ બચાવોના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેવી માહિતી સામે આવી રહી છે. પોસ્ટરો લગાવવાના મામલે 6 જેટલા લોકોની ધરપકડ પણ કરી લીધી છે તેવા સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત આ જ મુદ્દાને લઈ 100 જેટલા લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ પોસ્ટર કઈ પ્રિન્ટિંગ પ્રેસે બનાવ્યા છે તેની માહિતી સામે આવી નથી. આ મામલો પ્રિંટિગ પ્રેસ એક્ટ અને પ્રોપર્ટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
દિલ્હીમાં લાગ્યા પીએમ મોદી વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટર!
છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં થતી ઘટનાઓ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત દિલ્હી ચર્ચામાં આવ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે મોદી હટાવો દેશ બચાવો. આ મામલાને લઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલાને લઈ 100 FIR પણ દાખલ કરવામાં આવી છે ઉપરાંત 6 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ઓફિસથી નીકળી રહેલી વેનમાંથી પોસ્ટરો મળી આવ્યા હતા. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
પોસ્ટરને લઈ સરકાર પર સાધ્યું નિશાન
પોસ્ટરો મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ વાતને લઈ કટાક્ષ કર્યો છે. આપે લખ્યું હતું કે મોદી સરકારની તાનાશાહી ચરમ સીમા પર છે. પોસ્ટરમાં એવું તો શું આપત્તિજનક છે, જેને લગાવા પર મોદીજીએ 100 FIR દર્જ કરાવી દીધી. પીએમ મોદી તમને લગભગ ખબર નથી કે ભારત એક લોકતંત્રિક દેશ છે, એ પોસ્ટરથી આટલો ડર કેમ?
આમ આદમી પાર્ટી કરી શકે છે પ્રદર્શન
મળતી માહિતી અનુસાર પોસ્ટરને લઈ આમ આદમી પાર્ટી ગુરૂવારે પ્રદર્શન કરવાની છે. દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન થવાનું છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થઈ શકે છે.
આ મામલે પોલીસે હાથ ધરી તપાસ
પોસ્ટર અંગેના સમાચાર મળતા પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મીડિયા રિપોર્ટસના અનુસાર આ પોસ્ટરને છાપવા માટે બે પ્રિંટિંગ ફર્મને 50 હજાર પોસ્ટર છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. રવિવાર રાતથી સોમવાર સવાર સુધી દિલ્હીના અનેક વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.