ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક રાજકીય પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં વ્યસ્ત થયા છે. આમ આદમી પાર્ટી પણ પોતાનો પ્રચાર જોર-શોરથી કરી રહી છે. ભાજપ પણ આ અંગે ઘણી ગંભીર છે. દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. વડોદરા ખાતે તેઓ આપનો પ્ર્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા પોસ્ટર વોર શરૂ થયો છે. અરવિંદ કેજરીવાલનું પોસ્ટર લાગેલું છે જેમાં લખાણ કરવામાં આવ્યું છે કે હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિંદુ ક્રિયાઓ કરીશ નહી, બીજા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં.
આપના ચૂંટણી પ્રચાર વચ્ચે થયો આપનો વિરોધ
અનેક જગ્યાઓ પર આપ પ્રચાર કરી રહ્યું છે. હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આપના પ્રચાર દરમિયાન, ગાંધીનગર-અમદાવાદ હાઈવે, રાજકોટ સહિત અનેક જગ્યાઓ પર આ પ્રકારના પોસ્ટર લાગેલા છે. આ પોસ્ટર આપ નેતાનો વિડીયો વાયરલ થયા બાદ લગાવવામાં આવ્યા છે. દિલ્હીના મંત્રી રાજેન્દ્ર ગૌતમની હાજરીમાં સામુહિક ધર્મ પરિવર્તન કરવામાં આવતો વિડીયો વાયરલ થયો છે. આવા પોસ્ટર લગાવાતા ગુજરાતની રાજનીતિમાં ધર્મ આધારિત રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. લગાવામાં આવેલા પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને ટોપી પહેરાવવામાં આવી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણને ભગવાન માનીશ નહીં. આવા અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આવા પોસ્ટર લગાવવામાં આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.