અકસ્માત થવો જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. અકસ્માતને કારણે અનેક લોકોના જીવ ગયા છે. બેફામ રીતે ચલાવવામાં આવતા વાહનોને કારણે અનેક પરિવાર પોતાના સભ્યને ગુમાવે છે. આ બધા વચ્ચે અમદાવાદ શહેરમાં એક અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. અને જે વ્યક્તિથી આ અકસ્માત સર્જાયો છે તે નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ વાઘેલા છે. પ્રાથમિક માહિતી અનુસાર હેડ કોન્સ્ટેબલ ઓવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા હતા અને તે વખતે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ટળી જાનહાની!
અમદાવાદમાં નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. ગાડી સ્પીડમાં હોવાને કારણે આ અકસ્માત સર્જાયો છે તેવી માહિતી મળી છે. અને જે વ્યક્તિએ આ અકસ્માત સર્જ્યો છે તે પોલીસ કોન્સ્ટેબલ હતા. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે નથી આવી પરંતુ પોલીસ કોન્સ્ટેબલની ગાડીને નુકસાન થયું છે.
પોલીસ કોન્સ્ટેબલને કરાયો ટ્રાફિક પોલીસને હવાલે!
લોકો દ્વારા એવા પણ આક્ષેપો કરાયા હતા કે પોલીસ કર્મી નશાની હાલતમાં હતો અને ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. અકસ્માતને કારણે લોકોના ટોળે ટોળા ત્યાં હાજર થઈ ગયા. સ્થાનિકો સાથે બોલાચાલી પણ થઈ હોય તેવી વાત સામે આવી છે. પોલીસકર્મીને ટ્રાફિક પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
કાયદાનું પાલન કરાવનાર અનેક વખત કરે છે કાયદાનો ભંગ!
મહત્વનું છે કે જેમની પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તે જ જો કાયદાનો ભંગ કરશે તો? અનેક વખત હેલ્મેટ વગર વાહન ચલાવતા આપણે પોલીસકર્મી દેખાય છે તો કોઈ વખત તોડ કરતા પોલીસકર્મી દેખાય છે! ત્યારે આજે ફરી એક વખત પોલીસ વિભાગ ચર્ચામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે.