ગુજરાતના મોરબીની દુર્ઘટનાના દુઃખમાંથી હજુ દેશ ઉભો નથી થયો અને કર્ણાટકના શિવપુરા ખાતેથી એક ફોટો વાયરલ થયો છે જેમાં એક મુસાફરે ચાલવા માટેના કેબલ બ્રિજ પર કાર ચઢાવી દીધી છે. આવડી મોટી દુર્ઘટનામાંથી આપણે કંઈ નથી શીખી રહ્યા એ દુઃખદ બાબત છે.
લોકો કાર ચાલક પર બગડ્યા
કર્ણાટકના શિવપુરા ખાતે પ્રવાસીએ પેડેસ્ટ્રિયન કેબલ બ્રિજ પર કાર ચઢાવી દીધી હતી. પુલ પર ચાલતા લોકો કાર ચાલકના ગાંડપણ પર ભડક્યા હતા અને કાર ચાલકને પાઠ શીખવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રવાસી મહારાષ્ટ્રના હતા અને ફરવા માટે આવેલા હતા. પ્રવાસીની મારુતી 800 કાર પર પણ મહારાષ્ટ્રનું પાર્સિંગ જોવા મળે છે. કર્ણાટક પોલીસ પણ આ પ્રવાસી પર ફરિયાદ કરવાનું વિચારી રહી છે કારણ કે આ કેબલ બ્રિજ માત્ર પદયાત્રીઓ માટે જ છે. બીજી બાજુ આ પ્રવાસી કાર લઈને બ્રિજ પર ઘૂસી આવ્યા હતા.
ગુજરાતના મોરબીમાં ઝુલતા પુલ પર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. વિદેશમાંથી પણ આ દુર્ઘટના મામલે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ એક આપણે છીએ કે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. એક મહાન વ્યક્તિએ કહ્યું હતું કે "જે પોતાનો ઈતિહાસ નથી જાણતું તે ઈતિહાસ નથી બનાવી શકતું". આપણે આપણી ભૂલથી કંઈક શીખવું પડશે બાકી આપણને જ મોંઘુ પડી શકે છે.