ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં જતા હોય છે. ચૂંટણી પહેલા અનેક સમાજો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે અર્બુદા સેનાએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. એવી અટકળો વહેતી થઈ હતી કે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. પરંતુ આ અટકળોનો અંત આવ્યો છે. વિપુલ ચૌધરીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે.
પાઘડી રાખી યોજ્યું સંમેલન
ચૂંટણી પહેલા અનેક રાજકીય ઉથલ-પાથલ જોવા મળી રહી છે. દરેક પાર્ટી રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે માણસાના ચરાડામાં અર્બુદા સેના ગુજરાત સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરી ન વર્તાય તે માટે વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાન પર પાઘડી રાખવામાં આવી હતી.
અર્બુદા સેના નથી આપવાની રાજકીય પાર્ટીને સમર્થન
ચૂંટણી પૂર્વે અર્બુદા સેનાએ કોઈ પણ પક્ષને સમર્થન ન આપવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંમેલન માત્ર સામાજીક મુદ્દાઓને લઈ યોજાઈ છે. અર્બુદા સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અર્બુદા સેના કોઈ પણ રાજકીય પાર્ટીને સમર્થન નથી આપવાની. માત્ર બીન રાજકીય સંગઠન તરીકે કામ કરશે. ઉપરાંત વિપુલ ચૌધરી પણ ચૂંટણી નથી લડવાના તેવી પણ જાહેરાત કરવામાં આવી છેે.