ગુજરાતમાં અત્યારે હિટવેવ ચાલી રહી છે અને રાજનીતિમાં પણ કંઈક એટલી જ ગરમી છે. ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગેલી છે તો કોંગ્રેસના પેચ ઘણી બેઠકો પર અટવાયેલા છે ત્યારે એક તસવીર સામે આવી છે જે વિચારવા પર મજબૂર કરે કે આ લોકસભા બેઠક પર કંઈક નવા જૂની થશે એ પાક્કું છે...! અમે વાત કરી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકની જ્યાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે, છોટુ વસાવાએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ બધા વચ્ચે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે બેઠક થઈ હતી અને ત્યાંની તસવીરો સામે આવી હતી.
શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થઈ હતી બેઠક
લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં ફરી જૂના નેતાઓ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતાં અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. જેમની આ મુલાકાત બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ વસાવા પણ હાજર હતા આ બેઠક ગાંધીનગરમાં શંકરસિંહના નિવાસસ્થાને મળી હતી. શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવાની બેઠકને લઈ ભરૂચ બેઠકને લઈ ચર્ચા થઈ હોવાનું અનુમાન અત્યારે બધા લગાવી રહ્યા છે.
છોટુ વસાવાએ પણ ઉતાર્યા છે ઉમેદવારને મેદાનમાં
ભરૂચ લોકસભા બેઠક જે હમેશા ચર્ચામાં રહેતી હોય છે, કોઈ વખત મનસુખ વસાવાને કારણે કે તો કોઈ વખત ચૈતર વસાવાને કારણે... પરંતુ આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. તો વળી BAPએ દિલીપ વસાવાને રાજકીય મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર વસાવા vs વસાવાની જંગ રસપ્રદ થવાની છે. ભરૂચ લોકસભા બેઠક 1989માં એહમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામેની પરાજય બાદથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા.
ભરૂચ લોકસભા સીટ રહેશે ચર્ચામાં કારણ કે...
ગુજરાતની મુખ્યત્વેની બેઠકો એવી છે જ્યાં બે ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે પરંતુ ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. છોટુ વસાવાએ ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આ વખતે ચિત્ર કંઈક અલગ છે એટલે જ વર્ષ 2024ની ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે. મતદારોથી લઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભરૂચ એ હોટ સીટ રહેવાની છે. ગત લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47 ટકા મતો સાથે 6.37 લાખ મતો મળ્યા હતા પણ આ વખતે સામે ચૈતર વસાવા છે એટલે આ ગણતરીઓમાં ઘણો ફેર પડી શકે છે... ત્યારે શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે થયેલી બેઠકને કારણે રાજનીતિ ગરમાઈ છે.