ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. માધવહીલ કોમ્પ્લેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે. જેમાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દટાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન અનેક વખત આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. દિવાલો ધરાશાયી થતા, નિર્માણાધીન મકાનો તેમજ જર્જરિત મકાનો ધરાશાયી થતાં હોય છે જેને લઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માધવહિલ કોમ્પલેક્ષમાં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે કલેક્ટરના જણાવ્યા અનુસાર, દુર્ઘટનામાં આઠથી દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું છે તેવી માહિતી હાલ સામે આવી છે.
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દુર્ઘટના સર્જાવાને કારણે લોકો કાળનો કોળિયો બને છે. દિવાલ ધરાશાયી, જર્જરિત મકાન ધરાશાયી થતી હોવાની અનેક ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં આવી દુર્ઘટના સર્જાતી હતી. તે બાદ જૂનાગઢમાં પણ આવી ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ભાવનગરમાં બિલ્ડીંગના પાછળનો ભાગ પડી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ કાટમાળ નીચે 10થી 15 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હોય છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. જે લોકો દટાયા છે તેમની હાલત ગંભીર છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે.