મોરબી ઝુલતા પુલ અકસ્માતમાં ફોરન્સિક લેબોરટેટરીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા આવ્યા છે. આ ખુલાસા અનુસાર કેબલના જે જગ્યાએથી તૂટ્યો હતો ત્યાં ફ્રેમ અને કેબલને કાટ લાગેલા હતા. જે કંપનીને પેટા કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તેના માલિકો લાયકાતવાળા એન્જિનિયરો ના હતા. આ કંપનીને કેબલ બ્રિજ સમારકામનો પણ કોઈ અનુભવ ના હતો.
સમારકામ કરનાર કંપનીને અનુભવ જ ન હતોઃ પ્રાથમિક રિપોર્ટ
છેલ્લા સાત મહિના રિપેરિંગ અને રિનોવેશન દરમિયાન માત્ર ફેબ્રિકેશનનું જ કામ હાથ ધરાયું હતું અને એલ્યુમિનિયમની મેટલ શીટ ચાર લેયરમાં નાખવામાં આવેલી હતી પરંતુ મુખ્ય કેબલ પર કાટ લાગેલો હોવા છતાં બદલાવવામાં આવ્યો ના હતો. મેઈન ફ્રેમ પણ બદલાઈ નહોતી. જે કંપનીને પેટા કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તેના માલિકો લાયકાતવાળા એન્જિનિયરો ના હતા. આ કંપનીને કેબલ બ્રિજ સમારકામનો પણ કોઈ અનુભવ ના હતો. આ પેટા કોન્ટ્રાક્ટવાળા લોકો ધ્રાંગધ્રામાં ફેબ્રિકેશનની દુકાન ધરાવતા હતા.
મેઈન્ટેઈનેન્સ બાદ પણ તમામ વસ્તુઓ કાટ ખાયેલી
પ્રાથિમક તપાસમાં ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોએ લીધેલા સેમ્પલમાં તેમને જાણવા મળ્યું હતું કે બ્રિજના મેટલ બોલ્ટ, મેટલની ફ્રેમ મેઈન સસ્પેન્શનવાળું દોરડું બધુ જૂનું હતું અને કાટ લાગેલા હોય તેવા હતા. બ્રિજ ખુલ્લો મૂકતા પહેલા નિયમો હોય છે કે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી ફિટનેસનું સર્ટિફિકેટ લેવું પડતું હોય છે. આ ફિટનેસ લીધું નથી કે લેતા ભૂલી ગયા હશે કે રસ નહીં પડ્યો હોય તે પૂરી તપાસ થઈ જશે તેના પછી જ ખબર પડશે.