શુક્રવાર રાત્રે મધ્યપ્રદેશમાં એક ગંભીર રોડ અકસ્માત થયો હતો જેમાં 14 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ચુરહટ રીવા નેશનલ હાઈવે પર સર્જાઈ હતી. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની હતી અને રસ્તામાં ઉભેલી ત્રણ બસોને અડફેટે લીધી હતી. આ બસોમાં સવાર લોકો કોલ સમાજના મહાકુંભ કાર્યક્રમમાં સામેલ થયા બાદ સીધી પાછા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.
નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત
અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે વધુ એક અકસ્માત મધ્યપ્રદેશમાં સર્જાયો છે. આ અકસ્માતને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સીધીના ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર શુક્રવાર રાતે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટયું જેને કારણે ટ્રક બેકાબૂ બની ગઈ હતી. બેકાબૂ બનેલા ટ્રકે 3 બસોને અડફેટે લીધી હતી.
બેકાબૂ બનેલી ટ્રકે મારી ત્રણ બસોને ટક્કર
મળતી માહિતી અનુસાર સતનામાં આયોજીત કોલ મહાકુંભમાં લોકોને લાવવા લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિંધ્ય ક્ષેત્રના જિલ્લાઓથી લોકોને કાર્યક્રમમાં લાવવા બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને સીધી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. રસ્તામાં યાત્રિકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની અને પાછળથી આવેલી ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે 8 લોકોના મોત ઘટનાસ્થળ પર થયા જ્યારે સારવાર દરમિયાન અન્ય લોકોના મોત થયા.
મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની કરી ઘોષણા
ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ તેમજ ઘાયલ થયેલા લોકોને 1 લાખ આપવાની જાહેરાત કરી છે.