સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બંધારણીય પીઠે સુનાવણીમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે 30 ઓક્ટોબરે થયેલી મોરબી દુર્ઘટનાનો મામલો ધ્યાને લીધો છે. અરજી કરનારને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ જવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનામાં પોતાના ભાઈ અને ભાભી ખોનારા દિલીપ ચાવડાના વકીલ દ્વારા ઉઠાવવામાં આવેલા અનેક મુદ્દાઓની પણ નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી કે મોરબી નગરપાલિકાના અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવાની જરૂર હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારોને યોગ્ય વળતર મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અરજી કરનારે રજૂ કરેલા મુદ્દાઓની ગુજરાત હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લેવી જોઈએ.
ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દાઓની નોંધ લેઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે મોરબી દુર્ઘટનાની સુનાવણીમાં જણાવ્યું હતું કે, "અમે દર્શાવેલા મુદ્દાઓ સિવાય પણ ગુજરાત હાઈકોર્ટ સમગ્ર મામલાને બીજા એન્ગલથી પણ જોવા માટે સમય લેય. અરજીકરનાર દિલીપ ચાવડાના વકિલે જે મુદ્દાઓને સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યા છે તેની ગુજરાત હાઈકોર્ટ નોંધ લેય." જ્યારે અરજીકરનારના વકીલે જણાવ્યું હતું કે, "ગુજરાત તરફથી પણ સ્વતંત્ર તપાસ થવી જોઈએ કારણ કે ગુજરાતના અધિકારીઓની લાપરવાહીના કારણે આ દુર્ઘટના ઘટી છે. 141 લોકોના મોત થયા છે અને કોઈ પણ સરકારી અધિકારી કે નગરપાલિકાના અધિકારી સામે પગલા લેવામાં નથી આવ્યા. આ મામલાના કારણે ચૂંટણીમાં પણ અસર થઈ શકે છે. સરકાર મોટા લોકોને બક્ષી રહી છે જે ઓરેવા ગ્રુપના માલિકો છે." આ મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, "મને ગુજરાત હાઈકોર્ટ પર પૂરો વિશ્વાસ છે. ગુજરાત હાઈકોર્ટ પર ભરોષો ના કરવાનું કોઈ કારણ નથી દેખાઈ રહ્યું. જો અરજીકર્તા હાઈકોર્ટમાં જશે તો હાઈકોર્ટ મુદ્દાને ઉઠાવશે. ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દાને પણ સમજે છે અને ગંભીરતાને પણ સમજે છે."