આંધ્ર પ્રદેશના અનાકાપલ્લીમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગ પરવાડા લૌરસ ફાર્મા કંપનીના લેબમાં ફાટી નીકળી હતી. આગ લાગતા લેબમાં કામ કરતા ચાર શ્રમિકોના મોત નિપજ્યા છે જ્યારે એકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાને કારણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મેન્ટેનન્સ દરમિયાન બની હતી.
ચાર શ્રમિકોના થયા મોત
આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થતા હોય તો કોઈ ગંભીર રીતે દાઝી જતા હોય છે. આગ લાગવાને કારણે ભારે નુકસાન પણ થતું હોય છે. ત્યારે આગ લાગવાની એક ઘટના આંધ્ર પ્રદેશમાં બની છે. ફાર્મા કંપનીની લેબમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં કંપનીની અંદર કામ કરતા ચાર મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને કારણે સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.
વળતર ચૂકવવાની કરી મુખ્યમંત્રીએ જાહેરાત
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના એ વખતે બની જ્યારે મેન્ટેન્સનું કામ ચાલતું હતું, આ ઘટનાને લઈ રાજ્યના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું કે આ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ આગ કયાં કારણસર લાગી તે અંગે જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.