આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે માલ-સામાનને તો નુકસાન પહોંચે છે પરંતુ લોકોના જીવન પર પણ સંકટ રહેલું હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં આગને કારણે મોટી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હોય. ત્યારે દિવાળી પહેલા સુરેન્દ્રનગરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે જેમાં કપડાની અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ. ધ્રાંગધ્રના મુખ્ય બજારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી પરંતુ તે આગે વિકરાળ રૂપ લઈ લીધું અને તે આગ 15થી વધારે દુકાનોમાં પ્રસરી ગઈ. દુકાનો ઉપરાંત બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળ પર આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
અનેક વેપારીઓની બગડી દિવાળી!
દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તહેવાર દરમિયાન નવા કપડાની ખરીદી સહિતની વસ્તુઓ ખરીદતા હોય છે. દિવાળીને લઈ કપડા બજારમાં પણ લોકોની ચહલપહલ રહેતી હોય છે, વધારે સામાન પણ વેપારીઓએ ભર્યો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક વેપારીઓની દિવાળી બગડી જઈ છે કારણ કે ધ્રાંગધ્રા શહેરમાં આવેલા વેદાંત કોમ્પ્લેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી અને આ આગની ઝપેટમાં 15 જેટલી દુકાનો આવી ગઈ છે. આગની જ્વાળા અનેક દુકાનોમાં પ્રસરી ગઈ અને દુર્ઘટના ભીષણ બની ગઈ.
લાખો રુપિયાનો સામાન બળીને ખાખ થયા હોવાનું અનુમાન
અનેક કારણોસર આગ લાગતી હોય છે. ત્યારે આ ભીષણ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. શોર્ટ સર્કિટને કારણે એક દુકાનમાં આગ લાગી અને તે અનેક દુકાનોમાં પ્રસરી ગઈ અને લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી નથી જાણી શકાયું. ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લાવવા માટે તજવીજ હાથ ધરી હતી. લાખો રુપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોય તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.