જ્યારે કોઈ સંતાન આત્મહત્યા કરે છે ત્યારે સૌથી વધારે દુ:ખ તેના માતા પિતાને થાય છે. વર્ષો સુધી જે સંતાનનો ઉછેર કર્યો હોય અને એ સંતાન જ્યારે પ્રેમપ્રકરણને કારણે પોતાની જિંદગીને ટૂંકાવી દે ત્યારે? જે સંતાનને ભણાવી ગણાવીને પોતાના પગ પર ઉભા રહેવા સક્ષમ બનાવીએ અને એ સંતાન પ્રેમમાં, પ્રેમમાં નિષ્ફળતા મળે તો આત્મહત્યા કરી લેતા હોય છે. આવું પગલું લેતા પહેલા તે પોતાના માતા પિતા વિશે પણ નથી વિચારતા. અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં આત્મહત્યા કરનાર 32 વર્ષની મહિલા ડોક્ટર વૈશાલી જોશી વિશે જે મહીસાગરથી આવે છે અને અમદાવાદમાં પીજીમાં રહે છે.
પિતાના અવસાન બાદ પરિવારની હતી વૈશાલી જોશી પર જવાબદારી!
પિતાના અવસાન બાદ કહેવાય છે કે પુત્ર પરિવારની સંભાળ લે છે. પરિવાર માટે કમાય છે અને પિતા જે ફરજ નિભાવતા હતા તે ફરજ પુત્ર નિભાવે છે. પરંતુ જો ભાઈ ના હોય તો તે જવાબદારી દીકરી પર આવી જતી હોય છે પરિવારનું ગુજરાન ચલાવવાની. આ ઘટનામાં પણ આવું જ થયું. મહિલા ડોક્ટરના પિતાનું અવસાન થઈ ગયું છે અને મળતી માહિતી અનુસાર તેમના પરિવારમાં માતા છે અને બે બહેનો છે.એક બહેન વડોદરામાં છે અને બીજી બહેન કેનેડામાં છે. પોતાના સપનાને સાકાર કરવા, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ડોક્ટર અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં પી.જીમાં રહેતા હતા અને તેમણે પોતાનું ક્લિનીક પણ ખોલ્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં ડોક્ટરે આત્મહત્યા કરી લીધી
એવી માહિતી સામે આવી છે કે કોઈ કારણોસર ડોક્ટર વૈશાલી જોશી ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં કામ કરતા પીઆઈ બી.કે ખાચરના સંપર્કમાં આવી. બંને વચ્ચે પ્રેમ થયો અને બંને એકબીજા સાથે વધારે સંપર્કમાં આવ્યા. એવી માહિતી સામે આવી છે કે તે મહિલા ડોક્ટર પીઆઈને મળવા માટે આવ્યા હતા. પરંતુ તેમની સાથે મુલાકાત ના થઈ શકી. પ્રેમમાં નિષ્ફળ જશે તેવું કદાચ મહિલા ડોક્ટરને લાગ્યું હશે અને પોતાના પરિવારનું, પોતાની માતાનો વિચાર કર્યા વગર તેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં તેમણે આત્મહત્યા કરી લીધી છે. જે દરવાજાથી એન્ટ્રી થાય છે ત્યાં જ મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ડો. વૈશાલી જોશી પીઆઈ ખાચરના પ્રેમમાં હતી!
અમદાવાદમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ હાલ ચર્ચામાં છે. ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ કેમ્પસમાં એક મહિલા ડોક્ટરે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે જેને લઈ ચકચાર મચી ગયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ડો. વૈશાલી પીઆઈ ખાચરના પ્રેમમાં હતી અને તેમની સાથે મુલાકાત ના થતા યુવતીએ આત્મહત્યા કરી લીધી છે તેવું માનવામાં આવી રહ્યું છે. તો એક પક્ષ એવું પણ કહે છે કે અનેક વખત પોતાની ફરિયાદ લખાવવા માટે મહિલા તબીબ ઈકોનોમિક ઓફેન્સ વિગ એટલે કે EOWમાં આવતી હતી, અધિકારીઓને પણ ફરિયાદને લઈ મળતી હતી પરંતુ તેમની ફરિયાદ અંગે અધિકારીઓ કોઇ જવાબ આપતા ન હતા. ફરિયાદ ન લેવાતા મહિલા કંટાળી ગઈ અને ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં તેણે આત્મહત્યા કરી લીધી!
મળી આવી 14 પાનાની સ્યુસાઈડ નોટ!
જે મહિલાએ આત્મહત્યા કરી લીધી છે તેમણે થોડા સમય પહેલા જ ક્લિનીક ખોલ્યું હતું. ડોક્ટર મૂળ મહીસાગરના છે અને તે અમદાવાદના શિવરંજનીમાં તે પીજીમાં રહે છે. મળતી માહિતી અનુસાર મહિલાના પર્સમાંથી 14 પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી છે. સવાલ થાય કે ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં એક મહિલા કર્મચારી આત્મહત્યા કરી લે છે અને કોઈને ખબર પણ નથી પડતી. ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં જ્યારે એન્ટર થઈએ ત્યારે ત્યાં દરવાજા પાસે બેસવાની જગ્યા છે. મહિલા ડોક્ટરે ત્યાં જ બેસીને આત્મહત્યા કરી લીધી છે. મહિલા બેઠેલી હાલતમાં હતી જેને કારણે કોઈને ખબર ના પડી તેવું માની લઈએ પરંતુ જ્યારે ઘણા સમય બાદ પણ મહિલા હલી નહીં ત્યારે શંકા ગઈ અને પછી તપાસ કરવામાં આવી.તપાસ કરાતા ખબર પડે છે કે મહિલા મૃતહાલતમાં હતી.
ડોક્ટરની અંતિમ ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર પીઆઈ કરે..!
જે તબીબ ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે તેમના પર્સમાંથી ડોક્યુમેન્ટ મળ્યા ઉપરાંત સ્યુસાઈડ નોટ પણ મળી છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તે વાંચીને કદાચ આંસુ પણ આવી જશે. સ્યુસાઈડ નોટમાં તેમણે પોતાની અંતિમ ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે તેમની ઈચ્છા છે કે તેમના અંતિમ સંસ્કાર પીઆઈ બી.કે.ખાચર કરે. પરંતુ તેમની અંતિમ ઈચ્છા અધૂરી રહી જશે. એ કેટલી પીડા દાયક વસ્તુ છે કે પ્રેમમાં પડેલી વ્યક્તિની અંતિમ ઈચ્છા પણ પૂર્ણ ના થઈ શકે.
પ્રેમમાં નિષ્ફળ જવાના ડરથી લોકો કરી લેતા હોય છે આત્મહત્યા!
વૈશાલી જોશીએ તો પોતાનું જીવન ટૂંકાવી લીધું પરંતુ સવાલ એ થાય કે પીઆઈ પ્રત્યેનો પ્રેમ એટલો આંધળો થઈ ગયો કે તેમણે પોતાની માતાનું, પોતાની બહેનોનું પણ ના વિચાર્યું? આવા અનેક વ્યક્તિઓ હશે જે પ્રેમમાં નિષ્ફળ ગયા બાદ આત્મહત્યા કરી લે છે. પ્રશ્ન એ થાય કે એક વ્યક્તિ એટલો બધો તમારા માટે મહત્વનો છે કે તમે તેની આગળ પોતાના માતા પિતા વિશે પણ નથી વિચારતા? એ માતા પિતા જેમણે તમને મોટા કર્યા, ભણાવીને એ લેવલ સુધી પહોંચાડ્યા કે તમે પોતાના પગ પર ઉભા થઈ શકો, જીવનમાં આવતા સંઘર્ષોનો સામનો મક્કમતાથી કરી શકો.
આત્મહત્યા કરતા પહેલા નથી વિચારતા માતા પિતાનું!
પરંતુ જ્યારે પ્રેમમાં પડેલી વ્યક્તિ આવું પગલું ઉપાડે છે તે ખૂબ આઘાત જનક હોય છે માતા પિતા માટે... જો પ્રેમમાં નિષ્ફળતા મળી છે તો જીવન ટૂંકાવી દેવાનો, માતા પિતાને છોડી દેવાનો કોઈ રસ્તો નથી. એક વ્યક્તિના પ્રેમમાં પડી તમે એ લોકોને ભૂલી જાવ જેમણે તમને જનમ આપ્યો છે તે યોગ્ય નથી. માતા પિતા જો નાનપણમાં આપણું ધ્યાન રાખી શકતા હોય તો આપણે આપણું જીવન તેમના માટે સમર્પિત ના કરી શકીએ? આવું પગલું લેતા પહેલા માતા પિતા વિશે એક વખત પણ વિચાર નહીં આવ્યો કે મારા પછી મારા માતા પિતાનું કોણ?