રાજ્ય તેમજ અમદાવાદમાં રખડતા પશુઓની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. રખડતા પશુઓને કારણે, નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ફરી એક વખત રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. નરોડા વિસ્તારમાં બાઈક ચાલક ઢોરની અડફેટે આવતા, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. નિર્દોષ વ્યક્તિનું મોત થતા લોકોમાં શાંત થયેલો ગુસ્સો ફરી ભડકી ઉઠ્યો છે.
તંત્રની બેદરકારીને કારણે લોકોનો જઈ રહ્યો છે જીવ
AMCની બેદરકારીને કારણે એક પત્નીએ પોતાનો પતિ,એક માતાએ પોતાનો પુત્ર અને દિકરીઓએ તેમના પિતાને ગુમાવ્યા છે. મૃતકના પરિવારની માગ છે કે જવાબદાર અધિકારી પર ત્વરિત એક્શન લેવામાં આવે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા બન્યો હતો એક વૃદ્ધનું મોત રખડતા પશુને કારણે નિપજ્યું હતું. ઉપરાંત રાજ્યના પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ પર પણ ઢોરે આક્રમણ કર્યું હતું, જેને કારણે તેમને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આવા તો એક નહી પણ અનેક કિસ્સાઓ છે જેમાં પરિવારે પોતાનો સભ્ય ગુમાવ્યો હોય.
શું સ્વીકારાશે મૃતકના પરિવારની માગ?
એક તરફ ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી રહી છે તો બીજી તરફ રખડતા પશુઓને કારણે રાહદારીઓ પણ પરેશાની વેઠવા મજબૂર બન્યા છે. બંને સ્થિતિમાં તંત્રની બેદરકારીને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તંત્રની નબળી કામગીરીને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાઈકોર્ટે રખડતા પશુઓને પકડવાની કામગીરી AMCને સોંપી હતી. પરંતુ હાઈકોર્ટની ટકોર બાદ પણ યોગ્ય કામગીરી નથી કરવામાં આવી રહી. ત્યારે મૃતકના પરિવારની માગ છે કે જવાબદાર અધિકારી પર ત્વરિત એક્શન લેવામાં આવે. ત્યારે શું ખરેખર મૃતકના પરિવારની માગ સ્વીકારાશે કે પછી ઢોરને પકડવાની કામગીરીની માફક માત્ર કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવશે, તે જોવું રહ્યું.