વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન પર ડ્રોન ઉડતું દેખાતા ખળબળાટ મચી ગયો છે. મહત્વનું છે કે પીએમ મોદીની સુરક્ષાને લઈ તે સ્થળને 'નો ફ્લાઈંગ ઝોન' જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આજે વહેલી સવારે હવામાં ડ્રોન ઉડતું દેખાતા સુરક્ષા બળો એક્ટિવ થઈ ગયા છે. આ અંગેની જાણ થતાં પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. મહત્વનું છે કે પોલીસ આ અંગે તપાસ કરી રહી છે કે કેવી રીતે આ ડ્રોન ત્યાં પહોંચ્યું. મળતી માહિતી અનુસાર પોલીસને હજી સુધી ડ્રોન નથી મળ્યું.
આ જગ્યા પર સ્થિત છે પીએમ મોદીનું નિવાસસ્થાન
દેશના વડાપ્રધાન માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીએમ મોદી રહેતા હોય છે. જ્યાં તે રહે છે તેની આસપાસનો વિસ્તાર નો ફ્લાઈંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ આજે પીએમના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઉડતું દેખાયું હતું. ઘર પર ડ્રોન ઉડવાની જાણકારી સામે આવતા સુરક્ષા બળો એલર્ટ થઈ ગયા હતા. સવારે પાંચ વાગ્યાની આસપાસ ડ્રોન ઉડતું દેખાતાં એસપીજીએ આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે અધિકારીઓ અને ડ્રોનની શોધખોળ સુરક્ષાબળો દ્વારા કરવામાં આવી રહી છે. પીએમ મોદી દિલ્હી સ્થિત લોકકલ્યાણ માર્ગ પર આવેલા બંગલા નંબર સાતમાં રહે છે. તેમના નિવાસસ્થાનનું નામ પંચવટી છે.
પોલીસે આ મામલે હાથ ધરી તપાસ
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે સોમવાર સવારે પીસીઆર કોલ આવ્યો હતો કે દિલ્હીમાં વડાપ્રધાનના નિવસસ્થાન ઉપર ડ્રોન જેવી વસ્તુ ઉડતી દેખાઈ હતી. જો કે મામલે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ તેમને આ મામલે કંઈ મળી આવ્યું નથી. મહત્વનું છે કે નો ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન ઉડવાને કારણે પીએમ મોદીની સુરક્ષા પર પણ એક ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.