મોરબી શહેરમાં રાજકોટથી રજાના દિવસે મજા માણવા માટે પરિવાર જાય છે પરંતુ તે રજાનો દિવસ તેમની જિંદગીનો છેલ્લો દિવસ બની જાય છે અને મોરબી પુલ દુર્ઘટનામાં રાજકોટ રેલનગરના દંપતિ અને પૂત્રના મોત થઈ જાય છે. દુર્ઘટનામાં રાજકોટના પરિવારનું નાનું બાળક બચી જાય છે.....
ત્રણ લોકોનાં મોત, એક નાનું બાળક બચી ગયું
ગઈકાલે મોરબીમાં બનેલી દુઃખદ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા ત્યારે રાજકોટના પણ પાંચ લોકોએ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. પતિ પત્ની અને પુત્ર સહિતના ત્રણ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે આ અન્ય એક નાનું બાળક બચી ગયું હતું. મોરબીની આ ગોજારી દુર્ઘટના બાદ મૃતકના પરિવાર ઉપર જાણે આભ તૂટી પડયું હતું.
રાજકોટના રેલનગરના પરિવારની ત્રણ-ત્રણ અર્થી ઉઠી
રાજકોટના પરિવારના સભ્યો હતાં ભૂપતભાઇ પરમાર, સંગીતાબેન પરમાર અને વિરાજ પરમાર, ત્રણેય આજે આપણી વચ્ચે નથી. રાજકોટના રેલનગર વિસ્તારના એક ઘરમાંથી એકસાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠી હતી. આ પરિવારના સભ્યોની સ્મશાન યાત્રા નીકળતા રેડ નગર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મોરબીની આ કરુણ દુર્ઘટનામાં 134 જેટલા લોકોના મોત થઈ ગયા છે.