ગુજરાત ચૂંટણી નજીક જ છે ત્યારે ભાજપ સરકારે કોમન સિવિલ કૉડ માટે કમિટીની બનાવવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લઈ પત્રકાર પરિષદ કરી હતી. સમાન નાગરિક સંહિતા એટલે એક એવો કાયદો જેમાં તમામ ધર્મોના નિયમો સરખા હશે.
ટૂંક સમયમાં કમિટી બનાવવામાં આવશે
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે કમિટી બનાવવામાં આવશે. આ કમિટી ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં બનાવવામાં આવશે. ગુજરાત કેબિનેટે નિર્ણય લેવા માટે મુખ્યમંત્રીને અધિકાર આપી દીધો છે માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મામલે નિર્ણય લેશે. કમિટી ક્યારે બનાવવામાં આવશે તે મામલે ટૂંક સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે. હાલ પરશોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે કમિટી ક્યારે બનશે તે હાલ નક્કી નથી પરંતુ ઓછામાં ઓછા ચાર લોકોનો કમિટીની અંદર સમાવેશ કરવામાં આવશે.
યુનિફોર્મ સિવિલ કૉડના ભાજપે શું ફાયદા ગણાવ્યા?
કેન્દ્ર સરકારમાં મંત્રી પરશોત્તમ રુપાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા લાગુ થશે તો જ્ઞાતિ, જાતિ, ધર્મ આધારિત વિસંગતતાઓ દૂર થશે. આનાથી સામાજિક સદભાવનાઓ વધશે. મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ થશે. જમીન, સંપત્તિ, વારસાઈ, દાન, લગ્ન, છૂટાછેડા જેવી બાબતોમાં સમાનતા લાગુ થશે. એટલે કે તમામ ધર્મોમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને બાળક દત્તક લેવાના નિયમો સરખા હશે. કોઈ ધર્મોમાં અલગ કાયદાઓ નહીં હોય તમામ ધર્મો એક જ કાયદાને માનશે.
UCC મામલે થોડું ઈતિહાસમાં ડોકિયું કરી લઈએ
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સતત 1948થી પ્રયત્નો ચાલી રહ્યા છે. બીએન રાવ કમિટીએ વર્ષ 1941માં સમાન સિવિલ કાયદો લાવવા ભલામણ કરી હતી. આ કમિટીએ બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતાની સમિતિને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદથી સમાન નાગરિક સંહિતાનો નિર્ણય ટળ્યો હતો. ત્યાર બાદ 1985, 1995, 1997 અને 2015માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારોને યુનિફોર્મ સિવિલ કૉડ લાગુ કરવા માટે વિચાર કરવા કહ્યું હતું. ગોવામાં 1961થી કોમન સિવિલ કૉડ લાગુ છે જ્યારે ઉત્તરાખંડમાં પણ પુષ્કરસિંહ ધામી સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે નિર્ણય લીધો છે.