28મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. આ કાર્યક્રમને લઈ રાજકારણ ગરમાયું છે. અનેક વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આ ઉદ્ધાટન કાર્યક્રમને ધ્યાનમાં રાખી સરકાર 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાની છે. આ પ્રસંગને ધ્યાનમાં રાખી સ્ટેમ્પ પણ લોન્ચ કરવામાં આવશે. વિત્ત મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સિક્કા પર સત્યમેવ જયતે લખવામાં આવશે અને અશોક સ્તંભ પણ સિક્કા પર જોવા મળશે.
75 રુપિયાનો સિક્કો કરાશે લોન્ચ!
નવા સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવવાનું છે. અનેક દિવસો તેમજ અનેક પ્રસંગોને યાદ રાખવા અનેક વખત સિક્કાઓ બહાર પાડવામાં આવતા હોય છે. ત્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમને લઈ સરકાર દ્વારા 75 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. વિત્ત મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. સિક્કા પર નવા સંસદ ભવનની તસવીર છાપેલી હશે. તે સિવાય મળતી માહિતી અનુસાર સિક્કા પર સત્યમેવ જયતે પણ લખવામાં આવ્યું હશે. સિક્કામાં 50 ટકા ચાંદી તેમજ 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. મહત્વું છે કે સિક્કો કેવો હશે તેવી જાણકારી આપવામાં આવી નથી.
આ ખાસ દિવસો માટે બહાર પાડવામાં આવ્યા છે સિક્કા!
આ પહેલી વખત નથી કે સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. મન કી બાત કાર્યક્રમને જ્યારે 100 એપિસોડ પૂરા થયા હતા ત્યારે 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયીને યાદ કરવા થોડા વર્ષો પહેલા મોદી સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે ઉપરાંત રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી પર પણ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો.