અશ્લીલ ફિલ્મો બનાવવા મામલે બોલિવુડના એક્ટર શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની તકલીફોમાં વધારો થઈ શકે છે. મહારાષ્ટ્ર સાયબર સેલે એક નવી ચાર્જશીટમાં દાવો કર્યો છે કે રાજ કુન્દ્રાએ મુંબઈના બે ફાઈવ સ્ટાર હોટલમાં અશ્લીલ ફિલ્મોનું શુટિંગ કરાવ્યું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ કુન્દ્રાએ હોટ શોટ્સ નામના ઓટીટી પ્લેફોર્મ પર આ ફિલ્મો વેચીને અઢળક રૂપિયા કમાવ્યા હતા.
ગયા અઠવાડિયે જ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થઈ
મહારાષ્ટ્ર સાયબર સેલે ગયા અઠવાડિયે જ આ ચાર્જશીટને કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે કે આ ચાર્જશીટની અંદર પૂનમ પાંડે, શર્લિન ચોપરા, ફિલ્મ નિર્માતા મીતા જુનજુનવાલા અને કેમેરા પર્સન રાજુ દુબેનું નામ પણ છે. રાજ કુન્દ્રા અગાઉ પોર્નોગ્રાફી મામલે મુંબઈની આર્થર રોડની જેલમાં હતા. બે મહિના અગાઉ જ તેમને સેશન્સ કોર્ટ તરફથી જામીન મળી છે.
અચ્છા તો આ રીતે પોલીસને પડી હતી ખબર!!!
ગયા વર્ષે મુંબઈની પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી જેમાં અભિનેત્રી ગહના વશિષ્ઠ પણ હતી. સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી ત્યાર બાદ અન્ય 3 લોકોને પણ આ કેસમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. તે સમયે એવી વાત સામે આવી હતી કે અભિનેત્રીને બળજબરીથી અશ્લીલ ફોટો શૂટ કરવા માટે દબાણ બનાવવામાં આવ્યું હતું. આ બધા લોકોની પોલીસે પૂછપરછ કરી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે તમામ લોકો આ ફોટો શૂટ એક એપ્લિકેશન પર મૂકવાના હતા. ત્યાર બાદ મુંબઈ પોલીસે વધુ તપાસ કરી હતી અને આ કાળા ધંધાના છેડા રાજ કુન્દ્રા સુધી પહોંચ્યા હતા.
રાજ કુન્દ્રાએ કાળા ધંધામાં રૂપિયા રોક્યા હતા
મુંબઈની પોલીસને રાજ કુન્દ્રા વિશે ખબર પડતા જ આ મામલો મોટો બની ગયો હતો. જ્યાર બાદ પોલીસે રાજ કુન્દ્રા પર કેસ કર્યો હતો. રાજ કુન્દ્રા પર આરોપ હતો કે તેમણે અશ્લીલ ફિલ્મોના કાળા કારોબારમાં અંદાજે 10 કરોડ જેટલી રકમ નાખી હતી. ફિલ્મો ભારતમાં શૂટ થતી હતી અને ઈંગ્લેન્ડની કેનરીન નામની કંપનીમાં મોકલવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રાજ કુન્દ્રા અને તેમના ભાઈએ ઈંગ્લેન્ડમાં કેનરિન કંપની ઉભી કરી હતી કારણ કે ભારતમાં તેમને કાયદાઓ નડતા હતા. ભારતના સાયબર લૉથી બચવા માટે રાજ કુન્દ્રાએ કેનરિન કંપની ઈંગ્લેન્ડમાં બનાવી હતી.