છેલ્લા બે દિવસથી ગુજરાતમાં જે ઘટનાની ચર્ચા થાય છે તે છે પાલનપુર બ્રિજ દુર્ઘટના જેમાં બે લોકોના મોત થયા છે. નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હતો. ગુજરાતમાં બ્રિજ તૂટી પડવાની ઘટના કંઈ નવી નથી. અનેક વખત અનેક બ્રિજો ધરાશાયી થયા છે જેમાં લોકોના મોત થયા છે. પાલનપુર બ્રિજ દુર્ઘટના બાદ લોકોમાં આ ઘટના અંગે રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે 11 લોકો સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. કંપનીના 7 ડિરેક્ટર તેમજ 4 એન્જિનિયર સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
11 લોકો વિરૂદ્ધ માનવવધનો ગુન્હો નોંધાયો
ગુજરાતમાં એક તરફ નવા-નવા બ્રિજોનું નિર્માણ થાય છે તો બીજી તરફ અનેક બ્રિજો બિલ્ડીંગો ધરાશાયી થાય છે. અનેક ઈમારતો સાથે દુર્ઘટના સર્જાતી હોય છે. એ દુર્ઘટનાઓ અનેક લોકો માટે પ્રાણઘાતક સાબિત થતી હોય છે. ત્યારે બે દિવસ પહેલા પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. બ્રિજમાંથી અનેક સ્લેબ તૂટી પડ્યા અને બે લોકોના મોત થઈ ગયા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે 11 લોકો સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી પોતે રાખી રહ્યા છે આ કેસ પર નજર!
કંપનીના 7 ડિરેક્ટર તેમજ 4 એન્જિનિયર સામે માનવવધનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં જવાબદાર લોકોને નહીં છોડાય તેવી વાત સામે આવી છે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અનેક વખત આવી બાબતોમાં નાની માછલીઓ ફસાઈ જતી હોય છે અને મોટી માછલીઓ છૂટી જતી હોય છે અર્થાત નાના માણસો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને તપાસ પૂર્ણ થઈ જાય પરંતુ જે મોટા લોકો આમાં જવાબદાર હોય છે તે અનેક વખત બચી જતા હોય છે એવા અનેક ઉદાહરણો આપણી સામે છે.
એવા ઉદાહરણ સ્થાપિત કરવા પડશે જેને લઈ લોકોમાં ડર બેસે
જવાબદાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ છે. કડક કાર્યવાહી કરી ઉદાહરણ રજૂ કરવામાં આવે કે ખોટુ કામ કરવાવાળાને છોડવામાં નહીં આવે. અનેક વખત બ્રિજ દુર્ઘટના સર્જાય છે તે માટે ભ્રષ્ટાચાર જવાબદાર છે તેવી વાતો અનેક લોકો તેમજ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. બ્રિજના નિર્માણ વખતે વાપરવામાં આવતો સામાન હલકી ગુણવત્તાનો હોય છે જેને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. જ્યારે પણ આવી દુર્ઘટના સર્જાય છે ત્યારે તપાસ કમિટી રચવામાં આવે છે. રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. નક્કર કાર્યવાહી કરાવી જોઈએ જેનાથી ડર બેસે તેવી લોકોની માગ છે.