રાજ્યમાં બની રહેલા બ્રિજોની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજના નિર્માણ ચર્ચાનો વિષય બન્યો છે. હલકી ગુણવત્તાને કારણે છેલ્લા અનેક મહિનાથી બ્રિજ બંધ છે. ત્યારે રાજુલાના દાતરડી ગામ નજીક ભાવનગર વેરાવળ હાઈવે એઠઈ બાયપાસ ઉપર બની રહેલો પુલ શરૂ થાય તે પહેલા જ ધરાશાયી થઈ ગયો છે. બ્રિજ હાલ નિર્માણધીન છે ત્યારે આવી ઘટના સર્જાઈ છે તો પુલની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે. દુર્ઘટના સર્જાતા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો ચર્ચાવા લાગી છે.
નિર્માણધીન બ્રિજ થયો ધરાશાયી
ગયા વર્ષે દિવાળીના સમયે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. તે સમયે અનેક બ્રિજની ગુણવત્તાને લઈ ચર્ચાઓ ચાલી હતી. ત્યારે બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તા વાળો સામાન વપરાયો છે તેવા અનેક રિપોર્ટ સામે આવ્યા છે. રિપેરિંગને માટે થઈ છેલ્લા ઘણા સમયથી બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે.
બ્રિજનું 50 ટકા કામ થઈ ગયું હતું પૂર્ણ
ત્યારે એક નિર્માણધીન બ્રિજ ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજૂલા નજીક દાતરડી બાયપાસ પાસે બની રહેલો ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રિજનું નિર્માણ લગભગ 50 ટકા પૂર્ણ થઈ ગઈ હતું. ત્યારે અચાનક બ્રિજ ધરાશાયી થતા કામગીરી તેમજ તેની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પુલ તૂટતા તંત્ર દોડતું થયું છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થવાના સમાચાર નથી આવ્યા.