ઉત્તરાયણના દિવસે કચ્છના અંજારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્ટીલ પીગળતી વખતે KEMO સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા છે. એવી પણ માહિતી પણ સામે આવી છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. ચાર લોકોને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઘટના અંજારના બૂઢારમોરામાં બની હતી જ્યારે સ્ટિલને પીગાળવાની કામગીરી ચાલી રહી હતી.
ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા દાઝ્યા કામદારો!
આગ લાગવાની ઘટનાને કારણે અનેક લોકો ગંભીર રીતે દાઝતા હોય છે. ત્યારે કચ્છના અંજારમાં કામદારો દાઝ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. અંજારના બુઢારમોરામાં આવેલી KEMO કેમીકલ કંપનીમાં સ્ટીલ પિગાળવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન ભઠ્ઠી ફાટી નીકળી હતી અને દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. જે કેમિકલ બહાર આવી ગયું તે ગરમ હતું અને તે ગરમ કેમિકલને કારણે 10 જેટલા મજૂરો દાઝ્યા છે. સારવાર અર્થે કામદારોને હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી.