ઝારખંડમાં હેમંત સોરેન સરકારે અનામત વધારીને 77 ટકા કરવાનું બિલ પસાર કરી દીધું છે. હવે ઝારખંડમાં અનુસૂચિત જનજાતિ(ST)ને 28 ટકા, અન્ય પછાત વર્ગ (OBC)ને 27 ટકા, અનુસૂચિત જાતિને 12 ટકા અનામત લાગુ થશે.
ભાજપ 20 વર્ષમાં ના કરી શકી એ અમે કરી બતાવ્યુંઃ JMM
ઝારખંડની હેમંત સોરેન સરકારે સ્પેશિયલ સેશનમાં બે મહત્વપૂર્ણ બિલ પલટાવવા માટે રાખ્યા હતા. જેમાં ઓબીસી અનામતને 14 ટકાથી વધારીને 27 ટકા કરી દેવાનું બિલ હતું. ઝારખંડની સોરેન સરકારે ઘોષણા પત્રમાં પણ આ વિશે વાયદો કર્યો હતો. હેમંત સોરેને બે બિલને ચૂંટણી વાયદામાં રાખ્યા હતા. જેમાંથી એક અન્ય પછાત વર્ગની અનામત વધારવાનો હતો. હેમંત સોરેન સરકારના મંત્રીઓએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ 20 વર્ષથી શાસનમાં હતી પરંતુ તે લાગુ ના કરી શકી, ઝારખંડ મોરચા પાર્ટીએ ઓબીસીનું રીઝર્વેશન વધારી દીધું છે.
આજનો દિવસ સ્વર્ણ અક્ષરોમાં લખાશેઃ હેમંત સોરેન
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજના દિવસને ઝારખંડના ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં લખાશે. હેમંત સોરેને જણાવ્યું હતું કે અમે જે બોલીએ છીએ તે કરી બતાવીએ છીએ.
ઝારખંડના અનામત બિલને કેન્દ્ર સરકારની નવમી અનુસૂચિમાં સામેલ કરવા માટે અનુરોધ કરાશે. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો ઝારખંડમાં 77 ટકા અનામત લાગુ થઈ જશે.