ગુજરાતને એકસમયે સેફ રાજ્ય માનવામાં આવતું હતું. એવી પરિસ્થિતિ હતી કે દીકરી જો ઘરેથી નીકળતી તો પરિવારજનોને ચિંતા થતી ન હતી. પરંતુ હવે પરિસ્થિતિ એકદમ અલગ બદલાઈ ગઈ છે. આપણા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તેના અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે. બળાત્કારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હેવાનિયતની તમામ હદ પાર થઈ ગઈ છે. 7 વર્ષીય દીકરી પર પાડોશીએ દુષ્કર્મ આચર્યું છે અને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. વટવા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
સાત વર્ષની દીકરી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ!
નાની નાની બાળકીઓ લોકોના હવસનો શિકાર બની રહી છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં માસુમ બાળકી પર જબરદસ્તી કરવામાં આવતી હોય છે. અનેક કિસ્સાઓ તો એવા છે જેમાં ઘટનાની જાણ કોઈને થાય નહીં તે માટે બાળકીની હત્યા કરી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. વટવાથી એક કિસ્સો સામે આવ્યો જેમાં સાત વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેના પાડોશી દ્વારા આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. અને પછી બાળકીની હત્યા કરવામાં આવી.
બાળકીએ બૂમો પાડવાની શરૂઆત કરી, આરોપીએ ગળું દબાવ્યું!
સમગ્ર ઘટનાની વાત કરીએ તો બિહારથી વટવા મૃતકનો પરિવાર આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતક બાળકીને પોલિયોની બીમારી હતી અને તેની સારવાર કરાવવા માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. આરોપીએ બાળકીને લાલચ આપી તેના ઘરે બોલાવી. જ્યારે બાળકી આરોપીના ઘરે ગઈ હતી ત્યારે તેની સાથે જબરદસ્તી કરવામાં આવી. અડપલા કરાતા બાળકીએ બૂમાબૂમ કરવાની શરૂઆત કરી. બાળકી બૂમો ના પાડે તે માટે આરોપીએ તેનું ગળું દબાવ્યું. આ દરમિયાન બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી અને શ્વાસ રૂંધાવાને કારણે તેનું મોત નિપજ્યું. અનેક કલાકો વિત્યા બાદ પણ બાળકી ઘરે ન આવી તો પરિવારજનોએ શોધખોળ કરી. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં આરોપીના ઘરે મળી.
આ મામલે પોલીસે હાથ ધરી તપાસ
જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો ત્યારે બાળકીના કપડા વેરવિખેર હતા અને ગુપ્તાંગમાં પણ ઈજાઓ થયેલી હતી. ઘટનાની જાણ થતા આરોપીની ધૂલાઈ કરવામાં આવી. ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને કરાતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.