અપની બિલ્લી અપને કો મ્યાઉં...જો આવું જ કંઈક ભાજપમાં થાય તો શું થાય? હા પણ આવું જ કંઈક કર્યું છે ભાજપના 33 વર્ષ જુના એક કાર્યકર્તાએ પાર્ટીની નિતીઓ વિરૂધ્ધ રોષ વ્યક્ત કર્યો છે. રાજ્યમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ભરતી મેળાનો ભાજપના જ એક દાયકાઓ જુના કાર્યકરે વિરોધ કર્યો છે. ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીઓ આવે એટલે નેતાઓ પક્ષપલટો કરતા નજરે પડતા હોય છે. ભાજપ 156 સીટોથી પણ ધરાતી ના હોય તેમ ભરતી મેળો શરૂ કર્યો છે. જેમાં વિપક્ષી નેતાઓને ભાજપ તરફી ખેંચવામાં આવે છે. હાલ કોંગ્રેસ અને આપના નેતાઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકરોને ભાજપમાં લાવીને ખેસ પહેરાવવા માટે કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે ભાજપના આ ભરતી મેળાનો વિરોધ ભાજપના 33 વર્ષ જુના ભાજપના કાર્યકર્તાએ કર્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ
ભાજપના આ 33 વર્ષ જુના કાર્યકર્તાનું નામ જયદીપસિંહ વાઘેલા છે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે અને ભાજપ વિષે લખ્યું છે કે, રામ તેરી ગંગા મેલી હો ગઈ સત્તા કી લાલચ મેં..સાથે તેમને એવું પણ લખ્યું છે કે જે કોંગ્રેસના નેતાઓ ભાજપ અંગે જેમ-તેમ બોલતા હતા એ નેતાઓને ભાજપ કેવી રીતે સ્વીકારી શકે છે? જયદીપસિંહ વાઘેલાની આ સોશિયલ મીડિયા પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે અને પાર્ટી તથા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.