થોડા દિવસો પહેલા કેન્દ્રમાં ભાજપની સરકારને આવે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. આ વાતને લઈ દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ધામધૂમથી આની ઉજવણી થાય તે માટે ગુજરાત ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકો સુધી ભાજપના કામો પહોંચાડવા માટે વિશેષ આયોજન કરવામાં આવશે. તેને લઈ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાવાની છે. આ મીટિંગમાં સી.આર.પાટીલ સહીતના કોર ગ્રુપના સભ્યો હાજર રહેશે.
ભાજપ સરકારને 9 વર્ષ પૂર્ણ થતા કરવામાં આવ્યા કાર્યક્રમ!
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. ત્યારે લોકસભાને લઈ ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં સી.આર.પાટીલ સહિતના કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં 30મેથી 30 જૂન દરમિયાન કેન્દ્ર સરકારના 9 વર્ષની સિદ્ધિઓને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે ગણાવી સિદ્ધિઓ!
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના સફળતાના 9 વર્ષ પૂર્ણ થયા છે. ભારતની આંતરરાષ્ટ્રીય છબીના 9 વર્ષ, આ 9 વર્ષ ખેડૂતોના કલ્યાણ માટે રહ્યા છે. કાશ્મીર જેવા રાજ્યમાં જી-20ની બેઠક સફળતા પૂર્વક પૂર્ણ થઈ છે. વડાપ્રધાન વિદેશ પ્રવાસ કરે ત્યાંરે લોકો તેમને નમન કરે છે. આ સન્માન દેશના 140 કરોડ ભારતીયોનું છે. લોકશાહી દેશમાં નવું સંસદભવન દેશના લોકોને અર્પિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના 9 વર્ષના શાસનમાં થયેલા કામો લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.