રાજ્યમાં GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ.)ની વિદ્યુત સહાયક ભરતી પરીક્ષા રદ્દ થવાનો મામલો ગરમાયો છે. પરીક્ષાના ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે આ વિવાદ વકરતા આખરે જેટકોના મેનેજમેન્ટ નીચે પણ રેલો આવ્યો છે, હવે આ મામલે સરકારે બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરતા 6 અધિકારી સસ્પેન્ડ કર્યા છે. રાજ્ય સરકારે એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના 6 અધિકારી સસ્પેન્ડ કરતા હડકંપ મચી ગયો છે.
બેદરકારી દાખવનારા આ અધિકારીઓ સસ્પેન્ડ
GETCO દ્વારા ભરતી પરીક્ષાનાં વિવાદ મામલે એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાનાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં મહેસાણા ડિવિઝનનાં ડેપ્યુટી ઈજનેર કે.એચ.પરમાર, ધાનેરા કાર્યપાલક ઈજનેર એસ.આર.યાદવ, મહેસાણાનાં કાર્યપાલક ઈજનેર બી.જે.ચૌધરીને જૂનાગઢ અને જામનગર ખાતે પોલ ક્લાઈમબિંગ ટેસ્ટ પ્રક્રિયામાં ત્રણેય અધિકારીઓની બેદરકારી સામે આવી હતી. તેમજ પરીક્ષા રદ્દ કરવાની પરિસ્થિતિ અને જેટકો તથા સરકારની થઈ રહેલી બદનામી માટે ત્રણેય અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ચીફ એન્જીનીયર એ.બી. રાઠોડ દ્વારા ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉગ્ર આંદોલનની ચીમકી
રાજ્ય સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણયના પગલે ઉમેદવારોએ શરૂ કરેલા આંદોલન બાદ ગત તારીખ 22 ડિસેમ્બરે જેટકોના એમડી એ 48 કલાકમાં સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપ્યા બાદ ત્રણ દિવસ બાદ પણ સમાધાન નહીં આવતા આજે ઉમેદવારો ફરીથી જેટકોની ઓફિસ સામે એકઠા થયા હતા અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આજે ફરી મોટી સંખ્યામાં ઉમેદવારો વડોદરા ખાતે જેટકો (GETCO)ની ઓફિસે પહોંચ્યા હતા. પરંતુ જેટકો (GETCO)ના એમ.ડી ગેરહાજર હોવાથી ઉમેદવારોએ પોતાની રજૂઆત જેટકોના જનરલ મેનેજર એચ.આર. જે.ટી રાયને કરી હતી. ઉમેદવારની રજૂઆત પર ઉમેદવારોને જવાબ આપતા જણાવ્યું હતું કે, જેટકો પોતાના પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ છે. જે બાદ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે પરિવાર સાથે આંદોલન કરવાની તથા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારીને ત્યાંથી પરત ફર્યા હતા.
જેટકો પરીક્ષા ભરતીનો વિવાદ શું છે?
જેટકો દ્વારા ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષા અંતર્ગત પોલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલી નથી. આ પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલી હતી. ત્યાર બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા આ બાબત ધ્યાનમાં લેવામાં આવેલ હતી. જેથી આ ત્રણ ઝોનના ઉમેદવારોની લાગણીને ધ્યાને લઈને સમગ્ર પરિક્ષા ટુંક સમયમાં ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.