દેશની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ ફરી એક વખત હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આગામી ડિસેમ્બર મહિનામાં બેંકોનું કામકાજ કેટલાક દિવસો સુધી ઠપ થઈ જશે. ઓલ ઈન્ડિયા બેંક ઓમ્પ્લોઈઝ એસોશિયેશન (AIBEA)એ આ મામલે એક નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપી છે. AIBEAએ ડિસેમ્બર 2023માં બેંકોમાં અલગ-અલગ તારીખોએ હડતાલની જાહેરાત કરી છે. આ હડતાળ 4 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ચાલશે.
આ દિવસે બેંકોમાં રહેશે હડતાળ
બેંક યુનિયનના એલાન પ્રમાણે 4થી 11 ડિસેમ્બર દરમ્યાન અલગ-અલગ બેંકોના કર્મચારી જુદા-જુદા દિવસે હડતાળ પાડશે. 4 ડિસેમ્બરે પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક તથા પંજાબ એન્ડ સિંધ બેન્કમાં હડતાળ રહેશે. 5 ડિસેમ્બરે બેંક ઓફ બરોડા તથા બેંક ઓફ ઈન્ડીયામાં હડતાળ રહેશે. 6 ડિસેમ્બરે કેનેડા બેંક તથા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, 7 ડિસેમ્બરે ઈન્ડીયન બેંક તથા યુકો બેંક 8 ડિસેમ્બરે યુનિયન બેંક ઓફ ઈન્ડીયા તથા બેંક ઓફ મહારાષ્ટ્ર અને 11 ડિસેમ્બરે ખાનગી બેંકોમાં હડતાળ રહેશે.
શા માટે હડતાળ?
બેંકોમાં આઉટસોર્સિંગ બંધ કરીને ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા સહિતની માંગણીઓ સાથે બેંક કર્મચારી યુનિયન દ્વારા આવતા મહિનામાં હડતાળનું એલાન કરાયું છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે સરકાર તથા બેંક મેનેજમેન્ટ કલાર્કની જગ્યાઓમાં કાપ મુકીને સુપરવાઈઝરી સ્ટાફની સંખ્યા વધારી રહી છે. ઔદ્યોગીક તકરાર કાયદા હેઠળ છટકવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યાની શંકા છે, જેનો કર્મચારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા એકશન પ્લાન હેઠળ જુદા-જુદા દિવસોમાં અલગ-અલગ બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાશે એટલે બેંકીંગ કામગીરી વ્યાપક રીતે પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.