ગુજરાતમાં મુંબઇ અને દિલ્હી વચ્ચેનો સિક્સલેન હાઇવે બનવાનું કામ લગભગ પુરુ થવાના આરે છે, ત્યારે ગુજરાતમાં વધુ એક મોટો સિક્સલેન હાઇવે બની રહ્યો છે. રાજકોટ અને અમદાવાદ વચ્ચે સિક્સલેન હાઇવે બનવાની કેન્દ્ર સરકારની યોજના છે. જો કે અમદાવાદ-રાજકોટ વચ્ચેનો 190 કિલોમીટરના સિક્સલેન હાઈવે પ્રોજેક્ટમાં ચાંગોદરથી બગોદરા વચ્ચેના હાઈવેનો 440 કરોડનો કોન્ટ્રાક્ટ યુક્રેનની એક એવી કંપનીને અપાયો છે,જેનું કોઈ અસ્તિત્વ જ નથી. આ કંપનીની કોઈ પણ પ્રકારની વેબસાઇટ કે સત્તાવાર ઓફિસ ગુજરાત કે ભારતમાં ક્યાંય નોંધાયેલી નથી. આ કંપનીને નાણાકીય અને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કેમ અને કેવી રીતે અપાયો તે હવે તપાસનો વિષય બન્યો છે. વિપક્ષ પણ આ મામલે સરકારને સવાલ પૂછી રહ્યો છે.
ભૂતિયા કંપનીને હાઈવેનો કોન્ટ્રાક્ટ
આપણા દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સરકારી એજન્સીઓ કાર્યરત છે છતાંય ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર થતો જ રહે છે. ક્યાંક નાના તો ક્યાંક મોટા કરોડોના ભષ્ટાચારના સમાચાર સામે આવતા રહે છે. કોઈ વિદેશી નામથી કંપની બનાવે અને જેનું કોઈ ઠેકાણું જ ના હોય અને તે માત્ર કાગળ પર જ હોય તેવી કંપની ને સરકાર કરોડોનો કોન્ટ્રાકટ આપી દે એ કેવી રીતે શક્ય બને જો કે એવું ગુજરાતમાં બન્યું છે. અમદાવાદ-રાજકોટ વચ્ચે સિક્સલેન હાઈવેનો કોન્ટ્રાક્ટ ભૂતિયા કંપનીને આપવામાં આવ્યો છે. અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવેના 2200 કરોડના પ્રોજેક્ટમાં ‘ભ્રષ્ટાચારનો મોટો ખેલ’ થયો હોવાના ચોંકાવનારા ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે.
440 કરોડનો પ્રોજેક્ટ અને કોન્ટ્રાકટર વિવાદમાં
અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવે પ્રોજેક્ટ કુલ 2200 કરોડનો પ્રોજેક્ટ છે. જેમાં પાંચ અલગ અલગ કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા. જેમાંથી ચાંગોદરથી બગોદરાનો 440 કરોડનો પ્રોજેક્ટ અને કોન્ટ્રાકટર વિવાદમાં આવ્યા છે. અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવે પ્રોજેક્ટ શરૂઆતથી જ કૌભાંડોની ભરમાર સાબિત થતો દેખાઈ રહ્યો છે. કુલ 2200 કરોડના આ પ્રોજેક્ટના પાંચ ઈપીસી પેકેજમાં સાડા પાંચ વર્ષે પણ લગભગ 35થી 40 ટકા કામ બાકી છે. આ પ્રોજેકટમાં શરૂઆતથી જ ગોલમાલ ચાલી રહી છે. પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે 440 કરોડના પ્રથમ પેકેજમાં સ્ટેટ કન્સ્ટ્રક્શન ઇન્ટિગ્રેટેડ વર્ક્સ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ ઓફ વરખોવના રાડા ઓફ યુક્રેન કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો.આ કંપનીનું આટલું મોટું નામ છે એટલે કે વાંચવામાં પણ આ કંપનીનું નામ કે ઠેકાણું ક્યાંય દેખાતું નથી.
કેવી રીતે મળ્યો કોન્ટ્રાક્ટ?
અમદાવાદ- રાજકોટ હાઇવેનું ટેન્ડર 2200 કરોડનું હતું. જેના પાંચ અલગ અલગ પેકેજ જાહેર કરાયા હતા. સ્થાનિક કક્ષાએ કામ કરતા કોન્ટ્રાકટરો ટેન્ડરની શરતો મુજબ કોઈને કોઈ રીતે ક્વોલિફાય થતા ન હોવાના કારણે આવી મળતિયા કંપનીઓને સાથે રાખે છે. અને વિદેશી કંપની હોવાનું બતાવી કોન્ટ્રાકટ મેળવી લે છે તેમ નિષ્ણાતોનું કહેવું છે. આ કિસ્સામાં યુક્રેનની કંપનીની વેબસાઈટ અને ઓફિસ કશું જ જોવા મળતું ન હોવા છતાં કોન્ટ્રાકટ કેવી રીતે મેળવ્યો તે તપાસનો વિષય છે.
અર્જુન મોઢવાડીયાએ કર્યું ટ્વીટ
આ સમાચાર પ્રસારિત થયા વિપક્ષે પણ સમાચાર પત્નું કટિંગ સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ પેપર કટિંગ શેર કર્યું અને હિન્દીમાં લખ્યું કે अहमदाबाद-राजकोट 6 लेन का हाईवे, साढ़े पांच साल से भाजपा के भ्रष्टाचार में उलझ कर रह गया है। प्रोजेक्ट में ₹440 करोड़ का कॉन्ट्रैक्ट युक्रेन की एक ऐसी कंपनी को दिया गया है जो सिर्फ कागज पर अस्तित्व में है। कागज पर फ़र्जी विदेशी कंपनी खड़ी कर के भ्रष्टाचार का खुला खेल चल रहा है, पर ED, CBI सब गायब है!!
સરકાર સાથે કંપનીની મિલિભગત?
હવે સવાલ એ થઇ રહ્યો છે કે કદાચ આ રોડ તૂટી ગયો અથવા કોઈ કારણસર કોઈ અન્ય ભ્રષ્ટાચાર બહાર આવ્યો તો આ કોન્ટ્રાકટ આપનાર આ કંપનીને કેવી રીતે શોધશે. આ સમાચાર સાંભળી લોકોમાં એક વાતની તો ચર્ચા તો થઇ જ રહી છે કે ક્યાંક તો મિલિભગત અને ભાગબટાઈ તો થઈ જ છે.