કેરળના એર્નાકુર્લમ શહેરમાં આવેલા એક કન્વેન્શન સેન્ટરમાં રવિવારે થયેલા ભયાનક વિસ્ફોટમાં 3 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બોંબ બ્લાસ્ટ અંગે તપાસ કરી રહેલી તપાસ એજન્સીઓ દાવો કર્યો છે કે આ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિન છે. તે ઓનલાઈન માધ્યમથી બોંબ બનાવવાનું શિખ્યો હતો. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શરૂઆતના ફોરેન્સિક એનાલીસીસ પ્રમાણે આ વિસ્ફોટ માટે ચાર IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં આગ લાગે તેવું ડિવાઈસ પણ લગાવવામાં આવ્યું હતું તે જ રીતે તેને બનાવવા માટે પેટ્રોલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વિસ્ફોટ માટેનો સામાન જપ્ત
તપાસ એજન્સીઓએ ઘટના સ્થળેથી બેટરી, તાર અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જે ટિફિનમાં IED બોંબ રાખવામાં આવ્યો હતો તે હજુ સુધી મળ્યું નથી. અધિકારીઓ હજુ આ દિશામાં તપાસ ચલાવી રહ્યા છે અને કન્વેન્શન સેન્ટરની પણ તપાસ કરવામાં આવશે. અધિકારીઓ આ હુમલાના માસ્ટર માઈન્ડ ડોમિનિક માર્ટિનની પણ પૂછપરછ કરી રહ્યા છે. માર્ટિન દુબઈમાં કોઈ ફેક્ટરીમાં કામ કરતો હતો. તેને ઈલેક્ટોનિક ઈક્વિપમેન્ટની જાણકારી હતી. માર્ટિને તેનો ગુનો કબૂલી લીધો છે.
કેન્દ્રને રિપોર્ટ સોંપવામાં આવશે
બોંબ વિસ્ફોટની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને નેશનલ સિક્યુરીટીગાર્ડ (NSG)ને સ્થાનિક પોલીસ તપાસમાં મદદ કરી રહી છે. આ તપાસનો રિપોર્ટ કેન્દ્ર સરકારનો સોંપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે રવિવારે બે મહિલાઓનું મોત થયું હતું જ્યારે એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી જેનું સોમવારે મોત થયું હતું. હુમલામાં ઘાયલ થયેલા પૈકીના કેટલાકની હાલત ગંભીર છે.