રાજ્યમાં નકલી ચીજોનો રાફડો ફાટ્યો છે, નકલી કચેરી, ટોલ પ્લાઝા, અધિકારી, પોલીસ ઉપરાંત ખાદ્ય ચીજોમાં ભેળસેળ તો જાણે હવે રોજીંદી બની ગઈ છે. નકલી ઘી, ખાદ્યતેલ, મરચુ અને હળદર પણ નકલી મળી રહ્યું છે, લેભાગુ તત્વો તેમના અંગત સ્વાર્થ માટે લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પણ નકલી મરચાનો મોટો જથ્થો ઝડપાતા હાહાકાર મચી ગયો છે.
મરચાનો સેમ્પલ રિપોર્ટ ફેલ
વિજાપુરના જાણીતા વેપારી મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાં ગત 8 મેના રોજ શંકાસ્પદ મરચું ઝડપાયું હતું. ફુડ વિભાગે બાતમીના આધારે રેડ પાડી હતી અને હલકી ગુણવત્તાના મરચા પર લાલ રંગ ચડાવીને ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું હતું. ફુડ વિભાગે રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કર્યો હતો. આ મરચાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલામાં આવ્યા હતા. જેમાં તે માનવ આરોગ્ય માટે હાનિકર્તા હોવાનું સાબિત થયું હતું. મરચાના સેમ્પલ રિપોર્ટ ફેલ થતા વેપારી મુકેશ મહેશ્વરી સામે ભેળસેળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિયે છે કે આ વેપારીના ગોડાઉનમાં આ પૂર્વે પણ બે વખત દરોડા પડી ચુક્યા છે.