આહિરાણીઓના આ રાસે આખા રાજ્યને આવી રીતે ગરબે ઘુમવા અને કૃષ્ણની ભક્તિમાં લીન થવા માટે મજબૂર કરી દીધા હોય. દેવભૂમિ દ્વારકાના એ દ્રશ્યો જ્યારે આપણે જોઈએ તો એવું જ થાય આ રાસને નિહાળતા જ રહીએ. એ દ્રશ્ય એટલો અદ્ભૂત હતું જ્યારે એક સાથે એક ગરબે 37 હજાર આહિરાણીઓ પારંપારિક પોષાકમાં મહારાસ કરી રહ્યા હતા. ગઈકાલે એ મહારાસમાં સાંસદ પૂનમ માડમ પણ જોડાયા હતા અને કૃષ્ણ ભક્તિમાં લીન થયા હતા. એ દ્રશ્યો ખૂબ સુંદર હતા જેમાં પારંપરિક પોષકમાં સાંસદ ગરબે ઘૂમી રહ્યા હતા.
આહિરાણીઓના ગરબે ઘૂમતા વીડિયો તો જોયા પરંતુ અનેક લોકો એવા હશે કે જેમને આ રાસ પાછળની વાર્તા નહીં ખબર હોય.
ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી
સાતવિસુ સતીયું રમે આયરાણી
ઢોલીરૂપે કાનો આયો તો વ્રજવાણી
કે ગોપીરૂપે રાસ રમે આયરાણી
આ લોકગીતના ઉદ્દભવની કહાણી કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય, પરંતુ કચ્છના વાગડ પ્રદેશમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ઢોલીરૂપે અહીં આવ્યા હતા. સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહી છે, જે આ લોકકથામાં બીજા રંગ પણ ઉમેરે છે. વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા.
રમનારાને એમ કે ઢોલી થાકે અને ઢોલીને એમ કે રમનારા થાકે
ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું. અને પછી આ પરંપરા વર્ષો સુધી ચાલી આહીર આગેવાનો એવું કહે છે કે "કૃષ્ણ ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું." અને લોકવાયકા કઈ પણ હોય કહાની કોઈ પણ હોય કૃષ્ણની ભક્તિમાં આ રીતે લીન થતી મહિલાઓને જોઈને એવું લાગે કે વૃંદાવન અને ગોકુળ તો અમારા દ્વારકાના આંગણે બની ગયું છે.