અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા અને હત્યાના સમાચારો અવારનવાર આવતા રહે છે. આજે વહેલી સવારે નવસારીના એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોની અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યારો પરિવારનો સભ્ય જ હતો. મૂળ નવસારીના બિલોમોરાના રહેવાસી દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ પરિવાર સાથે અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં છેલ્લા 15 વર્ષથી રહેતા હતા. જો કે આજે સવારે તેમના જ દોહિત્રએ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ અગાઉ બિલીમોરામાં PSI તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
સગો દોહિત્ર બન્યો હત્યારો
દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં પોતાના ઘરમાં હતા, ત્યારે તેમના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ ત્યાં આવ્યો હતો. બંને વચ્ચે કોઈ મામલો જબરદસ્ત ઝઘડો થયો હતો. જો કે આ પારિવારિક ઝઘડો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો. આ ઝઘડામાં નિવૃત્ત પીએસઆઇ દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના 23 વર્ષીય દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટે દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ તેમના પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને તેમના દીકરા યશ બ્રહ્મભટ્ટની હત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમાર બ્રહ્મભટ્ટનો તેમની પુત્રીના પુત્ર એટલે કે દોહિત્ર સાથે મનમેળ નહોંતો. તેમની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી પારિવારિક ઝઘડા ચાલી રહ્યાં હતા, આ ઝઘડામાં આજે નિવૃત PSI, તેમના પત્ની અને તેમના દીકરાની તેમના જ દોહિત્રએ હત્યા કરી દીધી હતી. હાલ હત્યારા દોહિત્રની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી છે.