એડીઆર દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં દેશના કયા રાજયના મુખ્યમંત્રી પાસે કેટલી સંપત્તિ છે તે દર્શાવવામાં આવ્યું છે. દેશના 30 રાજ્યોના મુખ્યમંત્રીઓ પૈકી 29 રાજ્યના મુખ્યમંત્રીઓ કરોડપતિ છે તેવો ખુલાસો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સૌથી સમૃદ્ધ મુખ્યમંત્રીની વાત કરીએ તો તે છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી. અને જો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીની વાત કરીએ તો તેમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ આવે છે. મમતા બેનર્જી પાસે બધા મુખ્યમંત્રીઓની તુલનામાં સૌથી ઓછી સંપત્તિ છે તેવી વાત રિપોર્ટમાં કરવામાં આવી છે.
30માંથી 29 મુખ્યમંત્રીઓ છે કરોડપતિ!
ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા સોગંદનામું ભરવામાં આવે છે. જેમાં કોની પાસે કેટલી સંપત્તિ છે કેટલા ગુન્હાઓ તેમની વિરુદ્ધ ચાલી રહ્યા છે સહિતની અનેક વિગતો આપવાની હોય છે. ત્યારે આ વિગતોનું એનાલિસીસ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ એટલે કે એડીઆર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મળતી માહિતી અનુસાર દેશના 30 મુખ્યમંત્રીમાંથી 29 મુખ્યમંત્રી કરોડપતિ હોવાનું સામે આવ્યું છે.
મમતા બેનર્જી પાસે છે સૌથી ઓછી સંપત્તિ!
એડીઆરના રિપોર્ટ અનુસાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પાસે સૌથી વધારે સંપત્તિ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.જગનમોહન રેડ્ડી પાસે 510 કરોડ રૂપિયા છે. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પાસે 163 કરોડ અને જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી પાસે 63 કરોડની સંપત્તિ છે. તે સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ હોવાની વાત રિપોર્ટમાં કરાઈ છે. રિપોર્ટ અનુસાર મમતા બેનર્જી પાસે 15 લાખ રૂપિયા છે.
અનેક મુખ્યમંત્રીઓ વિરૂદ્ધ દાખલ છે ગંભીર કેસ!
એડીઆર અને ઈલેક્શન વોચ અનુસાર આ રિપોર્ટમાં 28 રાજ્યોના મુખ્યમંત્રી તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે. સંપત્તિ સિવાય ગંભીર રીતે ગુન્હાઓ મામલે પણ માહિતી આપવામાં આવી હતી. 13 મુખ્યમંત્રીઓએ સોગંદનામામાં ગંભીર ગુનાહિત કેસ હોવાની માહિતી આપી હતી. આ ગંભીર ગુન્હાઓ કેસમાં હત્યાનો પ્રયાસ, અપહરણ વગેરેનો સમાવેશ થાય છે.