રાજસ્થાનમાં 250 પરિવારોએ હિંદુ ધર્મનો કર્યો ત્યાગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 21:43:45

Story by Samir Parmar

રાજસ્થાનના બારા જિલ્લામાં સવર્ણ સમાજના લોકોએ અનુસૂચિત જાતિના લોકોને માર માર્યો હતો. આ ઘટના પર રોષ રાખતા 250 જેટલા અનુસૂચિત જાતિના પરિવારોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. આ મામલો દેશભરમાં ચગ્યો છે અને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. 


માતાજીના ફોટો અને મૂર્તિઓ નદીમાં નાખી દીધી 

બારા જિલ્લાના ભૂલોન ગામમાં અનુસૂચિત જાતિના 250 જેટલા પરિવારોએ બૌદ્ધ ધર્મ સ્વિકાર્યો ત્યારે તેમણે હિન્દુ ધર્મની મૂર્તિઓ બેથલી નદીમાં ફેંકી દીધી હતી અને દેવી-દેવતાઓમાં નહીં માનવાની શપથ લીધી હતી. માતાજીના ફોટો પણ બેથલી નદીમાં પધરાવી દેવામાં આવ્યા હતા. અનુસૂચિત જાતિના લોકોએ લાંબી લડત ચલાવી પરંતુ કોઈ સુધી અવાજ નહીં પહોંચતા અંતે આક્રોશ રેલી કાઢીને ધર્મ પરિવર્તન કર્યો હતો. 


કયા કારણથી પરિવારોએ ધર્મ પરિવર્તન કર્યું?

સમાચારો મળી રહ્યા છે કે રાજસ્થાનના ભૂલોન ગામમાં 5 ઓક્ટોબરે અનુસૂચિત જાતિના લોકોએ દુર્ગા માતાની આરતીનું આયોજન કર્યું હતું. અનુસૂચિત જાતિ સમાજના લોકોએ દુર્ગા માતાની આરતીનું આયોજન કેમ કર્યું તેનો ખાર રાખીને સવર્ણ સમાજના રાહુલ શર્મા અને લાલચંદ લોઢાએ હુમલો કર્યો હતો. 


પીડીતોએ ન્યાય માટે રાષ્ટ્રપતિ પાસે પણ માગી મદદ 

મારપીટ બાદ તમામ લોકોએ બાડા જિલ્લા પોલીસ પાસે મદદ માગી હતી પરંતુ કોઈ સ્થાનિક મદદ મળી ના હતી. મારપીટ કરનાર આરોપીઓ સામે પણ પોલીસે કોઈ કાર્યવાહી નહોતી કરી. અંતે કંટાળીને રાજેન્દ્ર અને રામહેત એરવાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પણ ફરિયાદ કરી હતી પરંતુ તેમને કંઈ ન્યાય નહોતો મળ્યો. અંતે કંટાળીને હિન્દુ ધર્મ છોડવાનો નિર્ણય લીધો હતો. 


વિશ્વ હિન્દુ પરિષદની પ્રતિક્રિયા શું છે?

આ કેસ મામલે જ્યારે જમાવટે વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી અશોક રાવલ સાથે વાત કરી ત્યારે VHP તરફથી તેમણે પ્રતિક્રિયા આપી હતી કે, "VHP ધર્માંતરણની વિરુદ્ધમાં છીએ. હિન્દુ ધર્મના સામાજિક કારણોના કારણે અન્ય ધર્મના લોકો પૈસાની આર્થિક લાલચ આપે છે. મુસ્લીમ ધર્મના લોકો દાદા ગીરીથી ધર્માંતરણ કરાવે છે જ્યારે ક્રિશ્ચન લોકો આર્થિક લાલચ આપીને ધર્માંતરણ કરાવે છે. પરંતુ ધર્માંતરણની પ્રક્રિયા બંનેની પદ્ધતિ એક જ છે. બૌદ્ધ ધર્મ તો હિંદુનો જ ભાગ છે. ભગવાન બુદ્ધના સિદ્ધાંતો પણ અત્યારે નથી ચાલતા. બુદ્ધ ભગવાન થઈ ગયા પણ તે કોઈ ધર્મ માટે ખરાબ નથી બોલ્યા, અત્યારે બોલાય છે. દોષ બૌદ્ધ ધર્મનો નથી, દોષ બૌદ્ધ ધર્મના નૈતૃત્વમાં છે. જે થયું તે ખોટું થયું છે. અનુસૂચિત જાતિના લોકો સાથે આવું કૃત્ય ના થવું જોઈએ. જ્યારે આવું થાય છે ત્યારે અમારા કાર્યકરો તેમને જઈને સમજાવતા હોય છે. હિન્દુ ધર્મના લોકો પરાણે ધર્મ પરિવર્તન ના કરે તેના માટે VHPના કાર્યકર્તાઓ પ્રયત્ન કરતા હોય છે. અત્યારે પહેલાની સ્થિતિ સામે પરિવર્તન આવ્યું છે. આ મુદ્દો રાષ્ટ્રપતિ સુધી જવો જ ના જોઈએ, આ સ્થાનિક મુદ્દો છે. આપણે સામાજિક સમરસતાની વાત કરીએ છીએ. હિંદુ ધર્મમાં દુષણો છે જે ધીરેધીરે દૂર થઈ રહ્યા છે. હિંદુ ધર્મના પૂરાણોમાં જ્ઞાતિ જાતિ નહોતી, અંગ્રજો અને મુસ્લીમોએ આવી પ્રથા બનાવી. અંગ્રેજોએ ક્રિશ્ચનોને છૂટ આપી, પૈસાની લાલચ આપી. આ બનાવ સાથે હું(અશોક રાવલ) સહમત નથી. આપણો દેશ વિકાસ કરી રહ્યો છે ત્યારે જ્ઞાતિ-જાતિના વાડામાંથી આપણે બહાર નીકળવું જોઈએ." 


અનુસૂચિ સમાજના લોકો બૌદ્ધ ધર્મ તરફ જ કેમ વળે છે?

હિન્દુ ધર્મના લોકો બોદ્ધ ધર્મ તરફ કેવી રીતે વળતા હોય છે તે સમજવા માટે જમાવટે હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલા વિનયચંદ્ર સોલંકી સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "અપમાનની લાગણી આમાં મુખ્ય બાબત છે. બાબા સાહેબે સામાજિક સમરસતા માટે વર્ષો સુધી કામ કર્યું પરંતુ તેમને કંઈ મળ્યું નહોતું અંતે તેમણે પણ આ જ માર્ગ અપનાવ્યો હતો. તેમણે હિંદુ ધર્મના દૂષણો દૂર કરવા અને હિંદુ ધર્મમાં સુધારો કરવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. પીવાનું પાણી જે કૂતરું પાણી પી શકે પણ માણસ પાણી પીવે તો અશુદ્ધ થાય આવી બાબતો માટે તેમણે મોટી લડત ચલાવી. હિંદુ ધર્મમાં સામાજિક સમરસતા માટે બાબા સાહેબે પાણી માટે સત્યાગ્રહ કર્યો. બીજા દિવસે કહેવાતા લોકોએ તળાવનું શુદ્ધિકરણ કર્યું હતું. અમેં(બાબા સાહેબ) માણસ છીએ તો અમને મંદિરમાં જવા દો, તો બાબા સાહેબ પર પથ્થરમારો થયો. તેમણે હિંદુ સ્વાભિમાનથી રહે તે માટે પ્રયત્નો કર્યા. આટલા વર્ષો સુધી બાબા સાહેબે કામ કર્યું તેને આશા હતી પણ તેમની આશા પર પાણી ફરી વળ્યાં. જમાવટે જ્યારે વિનયચંદ્ર સોલંકીને પૂછ્યું કે, "અનુસૂચિત જાતિના લોકો માત્ર બૌદ્ધ ધર્મ તરફ જ કેમ વળે છે?" ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, "મુસ્લીમોમાં પણ બુદ્ધિઝમ જેટલી સમાનતા નથી. મુસ્લીમોમાં શિક્ષણનો પણ અભાવ છે. ક્રિશ્ચનમાં પણ ભાગલા પ્રોટેસ્ટેન્ટ અને કેથોલિક જેવા ભાગલા પાડવામાં આવ્યા છે. સમાનતા અને કરુણા બૌદ્ધ ધર્મમાં જોવા મળે છે માટે હિંદુ ધર્મમાં ગૂંગળામણ અનુભવતા લોકો બૌદ્ધ ધર્મ તરફ વળતા હોય છે. એક કારણ એ પણ હોઈ શકે કે આટલું શિક્ષણ મેળવ્યા બાદ અને અનેક ધર્મોનો અભ્યાસ કર્યા બાદ બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, અનુસૂચિત જાતિના લોકોમાં બાબા સાહેબ પ્રત્યે આસ્થા છે માટે એટલા માટે પણ વળતા હોય છે. હિંદુ સમાજ સમાનતામાં નથી માનતો અને આંતરજ્ઞાતિય લગ્નમાં પણ નથી માનતા. જ્યારે હિન્દુ રૂઢીચૂસ્તતાથી ઉપર ઉઠશે ત્યારે ઈન્દ્ર મેઘવાલ જેવા કિસ્સાઓ જોવા નહીં મળે. હિંદુ ધર્મના લોકો અનુસૂચિત જાતિના લોકો માટે એવું માનતા હોય છે કે, આ લોકો શુદ્ર છે. આમને રોડ પર ચાલવાનો અધિકાર નથી. તો સ્વાભિમાની વ્યક્તિ માટે તે યોગ્ય ના કહેવાય. મૂળ વસ્તુ જાતિ છે. બુદ્ધિઝમમાં જ્ઞાતિ નીકળી જાય છે. માટે લોકો તેની તરફ વળતા હોય છે. સમ્રાટ અશોકનું ભારત અફઘાનિસ્તાન સુધી હતું. તેઓએ સમાજને એક કરવા માટે બુદ્ધ ધર્મનો ઉપયોગ કર્યો હતો અને અશોક લોકોને એક વાડામાં લાવ્યા હતા. બાબા સાહેબે કોઈ ધર્મનો વિરોધ નથી કર્યો, પણ સ્વાભિમાન લોકો આગળ વધે, શિક્ષિત થાય અને ભાઈચારો વધે તે માટે બુદ્ધિઝમ તરફ વળતા હોય છે. આજે બાબા સાબેહને પણ દલિતોના નેતા ગણી દીધા છે માટે અનુસૂચિત જાતિના લોકો દુખની લાગણી અનુભવતા હોય છે અને ગર્વ નથી લઈ શકતા. માટે આવા નિર્ણયો લેતા હોય છે."    


જમાવટનું સમગ્ર બાબતે શું વલણ છે?

ખૈર, આમાં સાચું શું છે ખોટું શું છે તેમાં આપણે નથી પડવું, પરંતુ એક વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડશે કે જે તે સમયે જે તે વ્યવસ્થાઓ ઘડવામાં હશે. હોઈ શકે તે યોગ્ય હોય, હોય શકે અયોગ્ય હોય. પરંતુ અત્યારે તે સમય નથી. અત્યારે આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા છીએ. સારા ભારતના નિર્માણ માટે આપણે આવી બાબતોથી ઉપર ઉઠવું પડશે. જ્યારે આવી ઘટનાઓ ઘટશે તો હિંદુ ધર્મના લોકો અન્ય ધર્મ તરફ વળશે. મુસ્લીમ કે ક્રિશ્ચન ધર્મમાં અન્યાય થાય તો તે પણ આવું વલણ ધરાવી શકે. જૈન કે બૌદ્ધ ધર્મમાં થાય તો તેઓ પણ આવું વલણ ધરાવી શકે છે. 21મી સદીમાં પહોંચેલો માણસ રૂઢીચૂસ્ત વિચારો સાથે જોડાયેલો રહેશે તો આવી ઘટનાઓ ઘટતી રહેશે તે નક્કી જ છે. આપણે સર્વ ધર્મ સમભાવ અને વસુધૈવ કુટુંબકમની ભાવના પર ચાલવું પડશે. માટે જમાવટનું સમગ્ર બાબતે માનવું છે કે આપણે બંધારણને માન આપીને ધર્મ, જાતિ, વર્ણ, જાતિ(સ્ત્રી-પુરુષ) અથવા જન્મ સ્થળ મામલે ભેદભાવ બંધ કરીશું તો જ સારા ભારતનું નિર્માણ કરી શકીશું અને દેશમાં ભાઈચારાના બીજ વાવી શકીશું. આ બીજના અંકુર ફૂટશે અને વટવૃક્ષ બનશે તેનાથી જ આપણા દેશ અને આપણા ભાવી સંતાનોનું કલ્યાણ થશે.





ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?