જ્યારથી બે હજારની નોટને લઈ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી બે હજારની નોટો બજારમાં ફરતી જોવા મળી રહી છે. પૈસા બદલાવા માટે કોઈ બેંકોમાં જઈ રહ્યા છે તો કોઈ પેટ્રોલ પંપ, જ્વેલર્સને ત્યાં બે હજારની નોટને વટાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારથી બે હજારની નોટને લઈ સમાચાર સામે આવ્યા છે ત્યારથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકો બે હજારની નોટ આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ 200 રુપિયાનું પેટ્રોલ ભરાવ્યું અને પૈસા ચૂકવવા માટે બે હજારની નોટ આપી.
2000ની નોટ મળતા પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ કાઢી લીધું!
આરબીઆઈના આ નિર્ણયની અસર પેટ્રોલ પંપ સંચાલકો પર પડી રહી છે. ઓછી રકમનું પેટ્રોલ ભરાવી સામે 2000 રુપિયાની નોટ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી હતી જેમાં 2000ની નોટ ન આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યારે હાલ પેટ્રોલ પંપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 200 રુપિયાનું પેટ્રોલ ભરાવવા 2000ની નોટ આપવામાં આવી. 2000ની નોટ મળતા પેટ્રોલ પંપમાં કામ કરતા કર્મચારીએ છુટ્ટા આપવાની વાત કરી. પરંતુ વાહન ચાલકે હાથ ઉંચા કરી દીધા કે તેની પાસે છુટ્ટા નથી. ત્યારે પેટ્રોલ પંપ વાળો કર્મચારી પણ જિદ્દી હતો. સ્કૂટીની ટાંકીમાં પાઈપ નાખી, ફૂંક મારી અને પેટ્રોલ કાઢી લીધું. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો વાયરલ થતાં લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા!
મળતી માહિતી અનુસાર આ વીડિયો ઉત્તરપ્રદેશના જાલૌનના એક પેટ્રોલ પંપનો છે. આ મામલે જ્યારે પેટ્રોલ પંપના ઓપરેટરે કહ્યું કે જ્યારથી આરબીઆઈનો આદેશ આવ્યો ત્યારથી જ 2000ની નોટ બજારમાં આવી છે. આની સીધી અસર પેટ્રોલ પંપના બિઝનેસ પર પડી રહી છે. પેટ્રોલ ભરાવવા માટે 2 હજારની નોટ લોકો આપી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકો કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે માર્કેટમાં કોઈ પણ 2 હજારની નોટ નથી લઈ રહ્યા, એ દુકાનદાર હોય કે પેટ્રોલ પંપ વાળા હોય. તો કોઈએ કહ્યું કે 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવવા માટે 2 હજારની નોટ આપવી ઠીક નથી. નોટની બદલી બેંકમાં થશે પેટ્રોલ પંપ પર નહીં, તેને બેન્ક ન બનાવો. ત્યારે આ વીડિયો વિશે તમારૂં શું કહેવું છે?