ભાગદોડ ભર્યા આ જીવનમાં શાંતિની બે મિનિટો નથી મળી શકતી. આપણે સૌ અત્યારે દોડમાં લાગ્યા છીએ, આ દોડ એવી છે જે ક્યાં પૂરી થાય છે તે આપણને ખબર પણ નથી હોતી. આવી પરિસ્થિતિની અંદર અમુક લોકો માઈગ્રેનથી પીડાઈ જતા હોય છે. માઈગ્રેન એટલે બોલચાલની ભાષામાં સમજવું હોય તો એક પ્રકારનો માથાનો દુખાવો, આ દુખાવો સાદા દુખાવા જેવો નથી હોતો પણ તેનાથી અતિશય વધારે દુઃખાવો થાય તેવો હોય છે. આ રોગમાં હમણાં માથું ફાટી જશે તેવું લાગવા લાગે છે. મગજના કેમિકલ અને પીઠના ભાગમાં આવેલા ચેતાતંત્રમાં ગરબડ થવાના કારણે આવું લાગતું હોય છે.
માઈગ્રેનમાં શું-શું થાય છે?
આમ તો માઈગ્રેનમાં એક કોમન વસ્તુ હોય છે માથાનો દુખાવો પણ તેની સાથે વ્યક્તિ પર નિર્ભર હોય છે કે તેમને શું થાય છે. માઈગ્રેનનો અસર અલગ-અલગ વ્યક્તિ પર જુદી જુદી થાય છે. અમુક લોકોને મૂડ બદલાવા લાગે છે તો અમુક લોકોને કબજિયાત થઈ જાય છે, અમુક લોકો સતત બગાસા ખાવા લાગે છે. અમુક લોકોને પ્રકાશ મોઢા પર પડે તો તકલીફ થવા લાગે છે તો અમુક લોકોને ઉલટી અને ઉબકા આવવા લાગતા હોય છે. અલગ-અલગ લોકો પર અલગ-અલગ અસર થાય છે.
કયા કારણથી માઈગ્રેન થઈ શકે છે?
જો તમે તમારા કામમાં બહુ તણાવ અનુભવતા હોવ છો તો તમને માઈગ્રેન થવાની સંભાવના વધારે છે. જ્યારે તમે સમય અનુસાર નથી ખાતા, મનફાવે ત્યારે ભોજન લો છો અને તમારો જમવાનો કોઈ ચોક્કસ સમય નથી ત્યારે તમને માઈગ્રેન થઈ શકે છે. જો તમારો સૂવાનો સમય નક્કી નથી હોતો ત્યારે માઈગ્રેનની સંભાવના વધી જાય છે. જમવામાં મેગ્નેશિયમ નામના તત્વની ઘટત હોય તો પણ માઈગ્રેનની શક્યતા વધી જાય છે. આથી એવો ખોરાક લેવો જોઈએ જેમાં મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય. જો તમારા પેટના જીવાણું(માઈક્રોબિયમ) યોગ્ય રીતે બનતા ના હોય અને કામ ના કરતા હોય તો તમને માઈગ્રેન થવાની સંભાવના વધી જતી હોય છે.
તમારા ટ્રિગરને યાદ રાખો
તમારે અમુક ચોક્કસ ખોરાકો વિશે પણ જાણવું જોઈએ કારણ કે ક્યારેક કોઈ ખોરાકથી પણ આપણને તકલીફ થતી હોય છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિક લોકોની ભાષામાં તેને ટ્રિગર કહેવાય છે. અમુક ભોજન માઈગ્રેનને ટ્રિગર કરતું હોય છે, એટલે કે અમુક ખોરાક ખાઈએ ત્યારે માઈગ્રેન થવાનું શરૂ થઈ જતું હોય છે. એટલે હંમેશા યાદ રાખવું જોઈએ કે તમે શું ખાવ છો. અઠવાડિયામાં એક લિસ્ટ બનાવી લેવાનું જેમાં એક ખોરાક બીજીવાર ના આવે તેનું ધ્યાન રાખવાનું. હવે જ્યારે તમને માઈગ્રેન થાય એટલે યાદ કરવાનું કે શું ખાધુ હતું. પછી આગલા અઠવાડિયામાં એ ખોરાક નહીં ખાવાનો જે ખાવાથી તમને માઈગ્રેન થયું હોય. જો આવતું અઠવાડિયા માઈગ્રેન વગર જાય તો તે ખોરાક તમારો માઈગ્રેનનો ટ્રિગર હોઈ શકે. આવા માઈગ્રેનના ટ્રિગરને ખાવાનું ટાળવાનું રાખવું જેથી માઈગ્રેનની તકલીફથી બચી શકાય. ખૂબ પાણી પીવાનું રાખવાનું જેથી આપણું જઠર અને આંતરડા યોગ્ય રીતે કામ કરી શકે અને શરીર પાણીવાળું રહે. સવારે ઉઠીને યોગ કે ધ્યાન ધરવામાં આવે તો પણ ફરક પડી શકે છે. બીજી વસ્તુ યાદ રાખવાનું કે તમારી ઉંઘ પૂરતી હોવી જોઈએ અને એક સમય પર હોવી જોઈએ. તમારું સૂવાનું નક્કી ના હોય, ચોક્કસ સમય વગર સૂવાનું થતું હોય છે તેનાથી માઈગ્રેનની તકલીફો વધતી હોય છે. અમેરિકાનું એક માઈગ્રેનનું ફાઉન્ડેશન છે. તેમને એવું જાણવા મળ્યું છે કે વીટામીન બીટુ એટલે કે વૈજ્ઞાનિક ભાષામાં રિબોફ્લેવિન, તે માઈગ્રેન ઘટાડવામાં મદદ કરે છે. આથી વે પ્રોટીન, માછલી, ગાયનું દૂધ, ઈંડા, ચીઝ, દહીં, બદામ, મશરૂમ, બ્રેડ, પાસ્તા અને ચોખા વગેરે ખાવાનું રાખવાનું. આ ખાવાનું ખાવાથી લેવાથી વિટામીન બીટુ ભરપૂર માત્રામાં મળી રહે છે.
દોડભાગ ભર્યા આ જીવનમાં જેમાં માણસને બે મિનિટ બેસીને વિચારવાનો પણ સમય નથી મળતો તેમાં સવારે ઉઠીને ધ્યાન ધરવું અતિ આવશ્યક બની જાય છે. સવારે ઉઠીને બને તો કસરત પણ કરવી જોઈએ જેનાથી મગજમાં એવા કેમિકલ નીકળે છે જે તમને ઊર્જાથી ભરી દે છે અને તેનાથી તમારો દિવસ તાજગીભર્યો રહે છે. ઊંઘવાનો અને જમવાનો ચોક્કસ સમય રાખવો જોઈએ જેથી આવા રોગથી બચી શકાય છે. અલગ-અલગ લોકોમાં અલગ-અલગ રીતે માઈગ્રેન થતો હોય છે. બધાને સરખી રીતે માઈગ્રેનમાં તકલીફો નથી થતી વ્યક્તિ મુજબ અલગ-અગલ રીતે અસરો થતી હોય છે. આથી અમુક વસ્તુઓનું ધ્યાન રાખીશું તો આવી બીમારીથી બચી શકીશું.