લોકસભા ચૂંટણી 1967: પરિવર્તનનો પવન ફૂંકાયો, કોંગ્રેસના વર્ચસ્વને મળ્યો પડકાર, દેશમાં ઈન્દિરા યુગનો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-10-03 13:32:16

વર્ષ 1967માં યોજાયેલી ચોથી લોકસભાની ચૂંટણી ભારતીય રાજનીતિમાં ઘણી રીતે મહત્વની હતી. આઝાદ ભારતમાં કોંગ્રેસ પાર્ટીના વર્ચસ્વને પડકારવામાં આવી હોય તેવું પ્રથમ વખત બન્યું હતું. આ પહેલી એવી ચૂંટણી હતી જે  પંડિત જવાહરલાલ નેહરુની ગેરહાજરીમાં યોજાઈ હતી. ચૂંટણી બાદ કોંગ્રેસ સતત ચોથી વખત સરકાર બનાવવામાં સફળ રહી હતી પરંતુ ગત ચૂંટણીની સરખામણીમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. સામાન્ય ચૂંટણીઓ સાથે યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો અને તેમાંથી 6 રાજ્યો હારી ગયા હતા. આ ચૂંટણી ઈન્દિરા યુગની શરૂઆત પણ હતી. ઈન્દિરા ગાંધીએ તેમના સ્વર્ગસ્થ પતિ ફિરોઝ ખાનની બેઠક રાયબરેલીથી પ્રથમ વખત ચૂંટણી લડી હતી અને જીતી હતી. ચૂંટણી બાદ તેઓ બીજી વખત વડાપ્રધાન બન્યા હતા.


રાજકીય અને સામાજીક ઉથલપાથલનો કાળ


ત્રીજી લોકસભાના કાર્યકાળને યુદ્ધ, ખોરાકની અછત, સામાજીક તંગદીલી, અને રાજકીય ઉથલપાથલના સમયગાળા તરીકે યાદ કરવામાં આવે છે. 1962ના ભારત-ચીન યુદ્ધને કારણે 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ'ની ભાવના ડૂબી ગઈ હતી. આ ઉપરાંત 1965નું ભારત-પાકિસ્તાન યુદ્ધ પણ થયું હતું. ભારત-ચીન યુદ્ધના આઘાતને કારણે બીમાર પડેલા નેહરુનું 1964માં મૃત્યુ થયું હતું, જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીનું 1966માં તાશ્કંદમાં અવસાન થયું હતું. ભારતે 1962 અને 1966 ની વચ્ચે ચાર વડાપ્રધાન જોયા હતા - પંડિત જવાહર લાલ નેહરુ, ગુલઝારી લાલ નંદા (બે વાર), લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી.


ચૂંટણી કાર્યક્રમ અને તત્કાલિન પરિસ્થિતી


ભારતમાં 17 થી 21 ફેબ્રુઆરી 1967 વચ્ચે ચોથી લોકસભા ચૂંટણી યોજાઈ હતી. 1967ની લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ઘણા નવા રાજ્યોની રચના કરવામાં આવી હતી અને લોકસભાની બેઠકોની સંખ્યા પણ 494 થી વધીને 520 થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન, દેશના કુલ 17 રાજ્યો અને 10 કેન્દ્રશાસિત પ્રદેશોની 520 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં દેશે જવાહર લાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રી નામના બે વડાપ્રધાન ગુમાવ્યા અને 1967ની સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસનું નેતૃત્વ ઈન્દિરા ગાંધીના હાથમાં આવ્યું હતું. તે જ સમયે, બે નવા રાજકીય પક્ષો, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) અને યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટીએ પણ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તો આવો ચાલો જાણીએ કે 1967ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ, CPI, CPM, ભારતીય જનસંઘ, પ્રજા સમાજવાદી પાર્ટી અને સ્વતંત્ર પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોને કેટલા વોટ મળ્યા અને તેમનો વોટ શેર કેટલો હતો.


કઈ પાર્ટીએ બાજી મારી?


વર્ષ 1963માં સીમાંકન પછી, 1967માં લોકસભા બેઠકોની સંખ્યા  494 વધીને 520 થઈ ગઈ હતી. કુલ 25 કરોડ મતદારોમાંથી 61.3 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમાં લગભગ 13 કરોડ પુરુષો અને 12 કરોડ મહિલાઓએ મતદાન કર્યું હતું. કોંગ્રેસે લગભગ 41 ટકા વોટ શેર સાથે 283 સીટો જીતી છે. કોંગ્રેસ માટે ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હતા, કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. તેને સ્પષ્ટ બહુમતી મળી હતી પરંતુ અગાઉની ચૂંટણીઓની સરખામણીએ લોકસભામાં તેની સંખ્યાત્મક તાકાત ઘણી ઓછી થઈ ગઈ હતી. ખાસ વાત એ હતી કે સી. રાજગોપાલાચારીની સ્વતંત્ર પાર્ટી આ ચૂંટણીમાં બાજી મારી ગઈ હતી. રાજાજીની આ પાર્ટી સીપીઆઈને હરાવીને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવી હતી. તેણે 8.67 મતની ટકાવારી સાથે 44 બેઠકો જીતી હતી. ભારતીય જનસંઘ (હાલનું ભાજપનું પુરોગામી સ્વરૂપ) ત્રીજા સ્થાને હતું, તેના ખાતામાં 35 બેઠકો હતી. સીપીઆઈ 23 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી, જ્યારે તેના વિસર્જન પછી રચાયેલી સીપીએમને 19 બેઠકો મળી હતી. તે જ પ્રકારે તમિલનાડુમાં DMKએ પણ 25 બેઠકો પર ઝંડો ફરકાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.


રાજ્યો પર કોંગ્રેસની પકડ ઢીલી પડી


કોંગ્રેસને છેલ્લી ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં લગભગ ત્રણ-ચતુર્થાંશ બેઠકો મળી હતી, પરંતુ આ વખતે તેને તેના ખાતામાં માત્ર 283 બેઠકો મળી છે, એટલે કે બહુમતી કરતાં માત્ર 22 બેઠકો વધુ છે. તેને મળેલા મતોની ટકાવારીમાં પણ લગભગ પાંચ ટકાનો ઘટાડો થયો.કોંગ્રેસને 1952માં 45 ટકા, 1957માં 47.78 ટકા અને 1962માં 44.72 ટકા મત મળ્યા હતા, પરંતુ 1967માં તેના મત ઘટીને 40.78 ટકા થઈ ગયા. સામાન્ય રીતે તેના બે-ત્રણ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થતી હતી, પરંતુ 1967માં તેના સાત ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. સ્વતંત્ર પાર્ટીએ તેને ગુજરાત, રાજસ્થાન અને ઓડિશામાં ફટકો આપ્યો હતો, જ્યારે જનસંઘે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં તેને ફટકો આપ્યો. કોંગ્રેસને બંગાળ અને કેરળમાં સામ્યવાદીઓ તરફથી પણ સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં તમિલનાડુ (અગાઉનો મદ્રાસ પ્રાંત)માં 7 બેઠકો જીતનાર DMKએ આ વખતે 25 બેઠકો જીતી હતી. લોકસભાની સાથે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ડીએમકેએ કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધી હતી. કોંગ્રેસ માટે આ કેટલો મોટો ફટકો હતો તે એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ત્યારથી લઈને અત્યાર સુધી પાર્ટી રાજ્યમાં સત્તામાં પરત ફરી શકી નથી. એ જ રીતે, કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં પણ મોટો આંચકો લાગ્યો હતો, જ્યાં ડાબેરી મોરચાએ તેને સત્તા પરથી હટાવી દીધી હતી. રાજ્યમાં પ્રથમ વખત બિનકોંગ્રેસી સરકાર બની. તમિલનાડુની જેમ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં પણ ત્યારથી ફરી સત્તામાં આવી શકી નથી.


'સ્વતંત્ર પાર્ટી'નો ઉદય


1967માં ચોથી લોકસભાની ચૂંટણી બાદ 'સ્વતંત્ર પાર્ટી' મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવી હતી. આ પહેલા લોકસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષ વિપક્ષની ભૂમિકામાં નહોતો. જવાહરલાલ નેહરુની સમાજવાદી નીતિઓના વિરોધમાં 'સ્વતંત્ર પાર્ટી'નો ઉદય થયો હતો. નેહરુના મિત્ર ચક્રવર્તી રાજગોપાલાચારીએ કોંગ્રેસથી અલગ થઈને 1959માં 'સ્વતંત્ર પાર્ટી'નો પાયો નાખ્યો હતો. આ એ જ સમયગાળો હતો જ્યારે ઈન્દિરાએ કોંગ્રેસમાં પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. ત્રીજી લોકસભા ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીને માત્ર 18 બેઠકો મળી હતી. જો કે પાર્ટી આ ચૂંટણી નેહરુ સામે લડી હતી.  


જનસંઘ ત્રીજો સૌથી મોટો પક્ષ બન્યો


1967ની લોકસભા ચૂંટણીમાં 'જનસંઘ' ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ચૂંટણીમાં જનસંઘે 35 બેઠકો જીતી હતી. જ્યારે 'સ્વતંત્ર પાર્ટી'એ 44 બેઠકો જીતી હતી. 1962ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષોએ આના કરતા ઓછી બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર ઘટીને માત્ર 40.78 ટકા રહ્યો હતો. ચૂંટણીમાં કુલ મતદારોની ભાગીદારી 61.04 ટકા હતી. આ ચૂંટણીમાં પ્રજા સમાજવાદી પાર્ટીએ 13 બેઠકો જીતી હતી. કોંગ્રેસને ત્રીજી લોકસભા ચૂંટણી કરતાં ચોથી લોકસભા ચૂંટણીમાં 78 બેઠકો ઓછી મળી હતી.


ઈન્દિરા, લોહિયા, જ્યોર્જ, લોકસભામાં પહોંચ્યા


1967ની ચૂંટણીમાં જીત મેળવીને ઘણા દિગ્ગજ નેતાઓ પહેલીવાર લોકસભામાં પહોંચ્યા હતા. જેમાં ઈન્દિરા ગાંધી, જ્યોર્જ ફર્નાન્ડિસ, રવિ રાય, નીલમ સંજીવ રેડ્ડી, રામધન વગેરેનો આ કેટેગરીમાં સમાવેશ થાય છે. ઈન્દિરા ગાંધી રાયબરેલીથી જીત્યા હતા, જ્યાં અગાઉ તેમના પતિ ફિરોઝ ગાંધી જીત્યા હતા. અગ્રણી સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાએ 1963માં ફર્રુખાબાદથી પેટાચૂંટણી જીતી હતી, પરંતુ 1967માં જ તેઓ સામાન્ય ચૂંટણી જીતીને પહેલીવાર લોકસભામાં પહોંચ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશની કન્નૌજ બેઠક પરથી માત્ર 471 મતોથી જીત્યા હતા.


જનસંઘના નેતા બલરાજ મધોક દક્ષિણ દિલ્હીથી ચૂંટણી જીત્યા. ફર્નાન્ડિસે  દક્ષિણ મુંબઈથી સોશ્યલિસ્ટ પાર્ટીની ટિકિટ પર કોંગ્રેસના દિગ્ગજ નેતા એસકે પાટીલને હરાવીને જીત મેળવી હતી. રવિ રાયે ઓડિશાની પુરી સીટ પણ સોશ્યલિસ્ટ પાર્ટીની ટિકિટ પર જીત મેળવી હતી. બીપી મંડલ પણ બિહારના મધેપુરાથી આ જ પાર્ટીની ટિકિટ પર લોકસભામાં પહોંચ્યા હતા, જેઓ પાછળથી બહુચર્ચિત મંડલ કમિશનના અધ્યક્ષ બન્યા હતા.


નીલમ સંજીવા રેડ્ડી કોંગ્રેસની ટિકિટ પર આંધ્રની હિન્દુપુર બેઠક પરથી જીત્યા, જેઓ પાછળથી દેશના રાષ્ટ્રપતિ બન્યા. લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર હરિકૃષ્ણ શાસ્ત્રી અલ્હાબાદ બેઠક પરથી જીત્યા હતા. અટલ બિહારી વાજપેયી ફરી એકવાર બલરામપુરથી જનસંઘની ટિકિટ પર જીત્યા હતા. વિજયારાજે સિંધિયા ફરી એકવાર મધ્યપ્રદેશની ગુના સીટ પરથી જીત્યા હતા. આ વખતે તેઓ કોંગ્રેસ છોડીને સ્વતંત્ર પાર્ટીમાં જોડાયા હતા. વીકેઆરવી રાવ, મોરારજી દેસાઈ, શ્રીપાદ અમૃત ડાંગે, એકે ગોપાલન, ઈન્દ્રજીત ગુપ્તા, કેસી પંત, વિદ્યાચરણ શુક્લા અને ભગવત ઝા આઝાદ પણ ફરી લોકસભા પહોંચ્યા હતા. યશવંતરાવ ચવ્હાણ મહારાષ્ટ્રની સતારા બેઠક પરથી જીત્યા હતા. આ ચૂંટણીમાં સમાજવાદી નેતા એસએમ જોશી અને કોંગ્રેસ નેતા વીડી દેશમુખ પણ લોકસભામાં પહોંચ્યા હતા.


કૃપલાણી, જનેશ્વર અને કિશન પટનાયક હાર્યા, વાજપેયી જીત્યા


ભારત-ચીન યુદ્ધમાં હારનો સૌથી મોટો ભોગ તત્કાલિન સંરક્ષણ પ્રધાન વીકે કૃષ્ણ મેનન બન્યા હતા. તેમને માત્ર મંત્રી પદેથી જ દૂર કરવામાં આવ્યા ન હતા પરંતુ તેઓ કોંગ્રેસમાંથી પણ ફેંકાઈ ગયા હતા. કૃષ્ણ મેનન, જેઓ એક સમયે પંડિત નેહરુની નજીક હતા, તેઓ ઉત્તર-પૂર્વ મુંબઈ સંસદીય મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેઓ કોંગ્રેસના એમજી બર્વે સામે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. જેબી કૃપલાણી મધ્ય પ્રદેશના રાયપુરથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના કેએલ ગુપ્તા સામે હારી ગયા હતા. પરંતુ તેમની પત્ની સુચેતા કૃપલાણી ગોંડાથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા.


બહુ ઓછા લોકો જાણતા હશે કે અંગ્રેજીના પ્રોફેસર અને પ્રખ્યાત હિન્દી કવિ વિજયદેવ નારાયણ સાહીએ પણ મિર્ઝાપુરથી 1967ની ચૂંટણીમાં સોશ્યલિસ્ટ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ તેમને જનસંઘના વી નારાયણ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 1962માં લોકસભામાં પહોંચેલા સમાજવાદી નેતા કિશન પટનાયક આ ચૂંટણી હારી ગયા હતા. 1962માં અટલ બિહારી વાજપેયીને હરાવનાર સુભદ્રા જોશી આ વખતે તેમની સામે હારી ગયા અને વાજપેયી ફરી એકવાર પોતાની સીટ બલરામપુરથી લોકસભામાં પહોંચ્યા.


ચૂંટણી પ્રચાર દરમિયાન ઈન્દિરા ગાંધીનું તૂટ્યું હતું નાક 


ઈન્દિરા ચોથી લોકસભા માટે જોરશોરથી પ્રચાર કરી રહી હતી. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં એક રેલીમાં ભીડ દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરથી ઈન્દિરાનું નાક તૂટી ગયું હતું. આ અંગે પૂર્વ IB ચીફ કે શંકર નાયરે તેમના પુસ્તક 'Inside IB and RAW: The Rolling Stone that Gathered Moss'માં એક રસપ્રદ ઘટના વર્ણવી હતી. રેલીમાં નાક ભાંગ્યા પછી ઈન્દિરાએ ઈંગ્લેન્ડમાં પોતાના બાળકોને એક પત્ર મોકલ્યો. તેમાં લખ્યું હતું કે, હું હંમેશા મારું લાંબુ કાશ્મીરી નાક ટૂંકું કરવા માંગતો હતો, પરંતુ ડોકટરોએ હંમેશા ના પાડી.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?