14 રાજનૈતિક પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સીબીઆઈ, ઈડીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જેની સુનાવણી 5 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. યાચિકામાં વિપક્ષોનું કહેવું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. અનેક નેતાઓ પર સીબીઆઈ તેમજ અનેક તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમાં ડીએમકે, ભારત રાષ્ટ્ર સમિતિ, તૃણુમુલ કોંગ્રેસ સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે.
14 પાર્ટીઓએ ખખડાવ્યો સુપ્રીમ કોર્ટનો દ્વાર
તપાસ એજન્સીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે તે વાતને લઈ 14 પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે. વિપક્ષી દળના નેતાઓનું કહેવું છે કે બીજેપીમાં સામેલ થયા પછી નેતા વિરૂદ્ધ થતી કાર્યવાહી હંમેશા ખતમ કરી દેવામાં આવે છે અથવા તો તપાસ આગળ નથી વધતી. અરજન્ટ લિસ્ટિંગ માટે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરી હતી. સિંઘવીએ કહ્યું કે 95 કેસ વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ છે. ધરપકડ પહેલા અને ધરપકડ પછી દિશા-નિર્દેશોની માગ કરી રહ્યા છે.
અનેક વિપક્ષી નેતાઓ વિરૂદ્ધ કરાઈ છે કાર્યવાહી
પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર,ઝારખંડ. છત્તીસગઢ, બિહાર સહિત અનેક રાજ્યોમાં વિપક્ષી સરકારોના ટોચના નેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અથવા તો પૂછપરછ કરવામાં આવી છે અથવા તો કાર્યવાહી કરવામાં આવી છે. મનીષ સિસોદિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તે સિવાય શિવસેના નેતા સંજય રાઉત વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તે સિવાય અનિલ દેશમુખ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તે પહેલા હેમંત બિસ્વા સરમાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા ઉપરાંત પૂછપરછ કરવામાં આવી હતી. તે સિવાય હાલ જ રાબડી દેવીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આવા તો અનેક કિસ્સાઓ છે.
પીએમ મોદીને લખ્યો હતો પત્ર
થોડા સમય પહેલા નવ જેટલા નેતાઓએ વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી લખી હતી કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જે નેતાઓએ ચિઠ્ઠી લખી હતી તેમાં ચંદ્રશેખર રાવો, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવાન માને પણ લખી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આગામી 5 એપ્રિલના રોજ આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.