મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
– આદિલ મન્સૂરી
ગુજરાતમાં મસ્ત મજાની વરસાદી મોસમ જામી છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં વરસાદી મહેર વરસાદી કહેર સાબિત થઈ રહ્યો છે. જિલ્લાઓમાં અનેક ઘણો વરસાદ વરસી ગયો છે ત્યારે હજી પણ હવામાન વાદળોથી ભરપૂર જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસો દરમિયાન પણ મેહુલો લોકોને ભિંજાવશે એટલે કે વરસાદી જોર યથાવત રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આ જગ્યાઓ પર જોવા મળશે મેઘમહેર
સપ્ટેમ્બરની શરૂઆત થતાં મેહુલો ફૂલ ફોમમાં દેખાઈ રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ 100 ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં 100 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આજે અનેક જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર તેમજ દ્વારકારમાં વરસાદનું જોર વધારે જોવા મળી શકે છે. આ ત્રણ જગ્યાઓ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે.

સપ્ટેમ્બર મહિનામાં સર્જાયા પૂર જેવા દ્રશ્યો!
અનેક વખત સાંભળ્યું હશે કે ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો છે. જૂન તેમજ જુલાઈ મહિનામાં વરસાદે શરૂઆત સારી કરી હતી પરંતુ ઓગસ્ટ મહિનો આવતા આવતા વરસાદનું જોર ઘટી ગયું હતું જેને કારણે ઓગસ્ટ મહિનામાં ના બરાબર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસેલા સારા વરસાદે ખેડૂતોમાં આશા જગાડી કે તેમનો પાક નિષ્ફળ નહીં જાય. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. અનેક જિલ્લાઓમાં તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી પણ સચોટ માનવામાં આવે છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ લોકો જો વરસાદની આગાહીને લઈ વિશ્વાસ કરતા હોય તો તે અંબાલાલ પટેલની આગાહી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિના માટે આગાહી કરતા કહ્યું હતું કે આ મહિનામાં પૂર આવશે. ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલી આગાહી મુખ્યત્વે સાચી સાબિત થઈ છે. ત્યારે આવનારા દિવસો દરમિયાન માટે પણ તેમણે આગાહી કરી છે. દરિયા કિનારા વાળા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે જેને કારણે બનાસકાંઠા, કચ્છ, જામનગર તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે.